ઇંગ્લેન્ડનો ભારત સામે સૌથી સફળ રનચેઝ, 47 વર્ષ જૂનો રેકોર્ડ તોડ્યો; બેરસ્ટોએ કરિયરની 11મી સદી મારી

 • ભારતે 50 ઓવરમાં 6 વિકેટે 336 રન બનાવ્યા, લોકેશ રાહુલે સર્વાધિક 108 રન કર્યા
 • જવાબમાં ઇંગ્લેન્ડે 4 વિકેટ ગુમાવી ટાર્ગેટ ચેઝ કર્યો, જોની બેરસ્ટોએ 124 રન બનાવ્યા
 • અંતિમ વનડે 28 માર્ચે પુણે ખાતે રમાશે

ઇંગ્લેન્ડે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં પુણે ખાતે ભારતને 6 વિકેટે હરાવ્યું છે. 337 રનનો પીછો કરતાં ઇંગ્લિશ ટીમે 43.3 ઓવરમાં ટાર્ગેટ ચેઝ કર્યો. આ તેમનો ભારત સામે વનડેમાં સૌથી સફળ રનચેઝ છે. અગાઉ 47 વર્ષ પહેલાં તેમણે 1974માં લીડ્સ ખાતે 266 રન ચેઝ કર્યા હતા. આ મેચ જીતીને ઇંગ્લિશ ટીમે શ્રેણી 1-1થી બરાબર કરી દીધી છે. અંતિમ વનડે 28 માર્ચે પુણે ખાતે જ રમાશે. મેચનું સ્કોરકાર્ડ જોવા અહીં ક્લિક કરો…

બેરસ્ટોએ કરિયરની 11મી સદી મારી
જોની બેરસ્ટોએ પોતાના કરિયરની 11મી સદી ફટકારતાં 11 ફોર અને 7 સિક્સની મદદથી 124 રન બનાવ્યા હતા. તે કૃષ્ણ પ્રસિદ્વની બોલિંગમાં વિરાટ કોહલી દ્વારા કેચ આઉટ થયો હતો. ત્યારબાદ જોસ બટલર શૂન્ય રને કૃષ્ણની એ જ ઓવરમાં બોલ્ડ થયો હતો. ઉલ્લેખનીય છે કે, ભારતીય ટીમે ઇંગ્લેન્ડ સામે છેલ્લી 5 વનડેમાંથી ચારમાં હારનો સામનો કર્યો છે. એક જીત વર્તમાન શ્રેણીની પહેલી વનડેમાં મળી હતી, જે ગેમ ભારતે 66 રને પોતાના નામે કરી હતી.

વનડેમાં સદી માર્યા વગર એક ઇનિંગ્સમાં સૌથી વધુ સિક્સ:

 • 10 સિક્સ: બેન સ્ટોક્સ (99 રન કર્યા) વિરુદ્ધ ભારત, 2021
 • 9 સિક્સ: એસ. પ્રશ્નના (95 રન કર્યા) વિરુદ્ધ આયર્લેન્ડ, 2016
 • 9 સિક્સ: ક્રિસ ગેલ (77 રન કર્યા) વિરુદ્ધ ઇંગ્લેન્ડ, 2019

સ્ટોક્સ 1 રન માટે સદી ચૂક્યો
ઇંગ્લિશ ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ 1 રન માટે સદી ચૂક્યો હતો. તેણે પોતાના વનડે કરિયરની 21મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 4 ફોર અને 10 સિક્સની મદદથી 99 રન કર્યા. તે ભુવનેશ્વર કુમારની બોલિંગમાં વિકેટકીપર ઋષભ પંતના હાથે કેચ આઉટ થયો હતો. તેણે અને બેરસ્ટોએ બીજી વિકેટ માટે 175 રનની ભાગીદારી કરી હતી.

વનડેમાં સૌથી ઝડપી 11 સદી:

 • 64 ઇનિંગ્સ: હાશિમ અમલા
 • 65 ઇનિંગ્સ: કવિન્ટન ડી કોક
 • 71 ઇનિંગ્સ: બાબર આઝમ
 • 78 ઇનિંગ્સ: જોની બેરસ્ટો
 • 82 ઇનિંગ્સ: વિરાટ કોહલી

રોય-બેરસ્ટોએ સતત ત્રીજી વનડેમાં ભારત વિરુદ્ધ 100+ રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી:

 • 160 (133) એજબેસ્ટન 2019
 • 135 (86) પુણે 2021 (પ્રથમ વનડે)
 • 110 (99) પુણે 2021 (બીજી વનડે)

રોયની 19મી ફિફટી
જેસન રોયે પોતાના વનડે કરિયરની 19મી ફિફટી ફટકારતાં 52 બોલમાં 7 ફોર અને 1 સિક્સની મદદથી 55 રન કર્યા હતા. તેણે અને જોની બેરસ્ટોએ પ્રથમ વિકેટ માટે 110 રનની ભાગીદારી કરી હતી. તેમજ તેની અને બેરસ્ટોની જોડીએ સતત ત્રીજી વનડેમાં ભારત વિરુદ્ધ 100+ રન બનાવ્યા. આ પહેલાં ઓસ્ટ્રેલિયાના એડમ ગિલક્રિસ્ટ અને મેથ્યુ હેડને 2003માં ભારત વિરુદ્ધ સતત ત્રણ વનડેમાં 100+ રનની ઓપનિંગ ભાગીદારી કરી હતી.

રોયે પ્રસિદ્ધની એક ઓવરમાં ત્રણ ફોર મારી
ઇંગ્લેન્ડની ઇનિંગ્સની છઠ્ઠી ઓવરમાં જેસન રોયે પ્રસિદ્વની બોલિંગમાં ત્રણ ફોર મારી હતી. તેણે ઓવરના પ્રથમ બોલે મિડવિકેટ, બીજા બોલે સ્કવેર લેગ અને ચોથા બોલે ફાઈન લેગ બાઉન્ડરી પર બોલ પહોંચાડ્યો હતો.

ભારતે 337 રનનો ટાર્ગેટ આપ્યો
ભારતે ઇંગ્લેન્ડ સામે ત્રણ વનડે શ્રેણીની બીજી મેચમાં પુણે ખાતે 50 ઓવરમાં 6 વિકેટે 336 રન કર્યા છે. ટીમ ઇન્ડિયા માટે લોકેશ રાહુલે વનડે કરિયરની પાંચમી ફિફટી ફટકારતાં 108 રન બનાવ્યા. જ્યારે ઋષભ પંતે 77 અને વિરાટ કોહલીએ 66 રનનું યોગદાન આપ્યું. હાર્દિક પંડ્યાએ 16 બોલમાં 35 રન ફટકારીને ઇનિંગ્સને ફિનિશિંગ ટચ આપ્યો. ઇંગ્લેન્ડ માટે રીસ ટોપ્લે અને ટોમ કરને 2-2 વિકેટ, આદિલ રાશિદ અને સેમ કરને 1-1 વિકેટ ઝડપી.

છેલ્લી 5 વનડેમાં ભારતનો સ્કોર

 • 308/8 વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સિડની
 • 338/9 વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, સિડની
 • 302/5 વિરુદ્ધ ઓસ્ટ્રેલિયા, કેનબરા
 • 317/5 વિરુદ્ધ ઇંગ્લેન્ડ, પુણે
 • 336/6* વિરુદ્ધ ઇંગ્લેન્ડ, પુણે
 • ભારતે બીજીવાર સતત પાંચ વનડેમાં 300+ રન કર્યા છે. આ પહેલાં 2017માં સતત પાંચ વનડેમાં 300+ રન બનાવ્યા હતા. ત્યારે પાંચમાંથી ત્રણ વખત સ્કોર ઇંગ્લેન્ડ સામે કર્યો હતો.

રાહુલે કરિયરની પાંચમી સેન્ચુરી મારી
લોકેશ રાહુલે પોતાના વનડે કરિયરની પાંચમી સદી ફટકારતાં 114 બોલમાં 7 ફોર અને 2 સિક્સની મદદથી 108 રન બનાવ્યા. તે ટોમ કરનની બોલિંગમાં ડીપ સ્કવેર લેગ પર ટોપ્લે દ્વારા કેચ આઉટ થયો હતો. તેણે અને ઋષભ પંતે ચોથી વિકેટ માટે 113 રનની ભાગીદારી કરી હતી.

પંત 2 વાર રિવ્યૂ લઈને બચ્યો
ઋષભ પંત 40 રને રમી રહ્યો હતો ત્યારે ટોમ કરનની બોલિંગમાં તેને કેચ આઉટ જાહેર કરાયો હતો. તે પછી પંતે રિવ્યૂ લીધો. રિપ્લેમાં સ્પષ્ટ હતું કે કરનનો શોર્ટ બોલ પંતના બેટ કે ગ્લવ્સને અડ્યો નહોતો. તે પહેલાં પણ રિવ્યૂ લઈને બચ્યો હતો. તે 27 રને રમી રહ્યો હતો ત્યારે ટોમ કરનની જ બોલિંગમાં તેને LBW આઉટ અપાયો હતો. જોકે, રિપ્લેમાં સ્પષ્ટ હતું કે, બોલ તેના બેટને અડ્યો હતો.

વનડેમાં કોહલીને સૌથી વધુ વખત આઉટ કરનાર લેગ સ્પિનર:

 • એડમ ઝામ્પા: 5 વાર
 • ઈશ સોઢી: 3 વાર
 • આદિલ રાશિદ: 3 વાર

કોહલી અને રાહુલની 121 રનની ભાગીદારી
વિરાટ કોહલીએ પોતાના વનડે કરિયરની 62મી ફિફટી ફટકારતાં 79 બોલમાં 3 ફોર અને 1 સિક્સની મદદથી 66 રન કર્યા હતા. તે આદિલ રાશિદની બોલિંગમાં કીપર બટલર દ્વારા કેચ આઉટ થયો હતો. રાશિદે વનડેમાં કોહલીને ત્રીજીવાર આઉટ કર્યો છે. આઉટ થતાં પહેલા કોહલીએ વનડેનો મેજર રેકોર્ડ પોતાના નામે કર્યો છે. તે વનડેમાં એક જ ક્રમે સૌથી ઝડપી 10 હજાર રન બનાવનાર બેટ્સમેન બન્યો છે. તેમજ તેણે અને લોકેશ રાહુલે ત્રીજી વિકેટ માટે 121 રનની ભાગીદારી કરી છે.

( Source – Divyabhaskar )

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This site uses Akismet to reduce spam. Learn how your comment data is processed.

Top News
World
Ashadeep Newspaper

અમેરિકામાં બે અઠવાડિયામાં દરેક લોકોને મળશે 1,000 ડોલરનો ચેક, બ્રિટને પણ જાહેર કર્યું રાહત પેકેજ

કોરોના વૈશ્વિક મહામારીએ ચારેતરફ કેર વર્તાવ્યો છે. અનેક લોકોના જીવ લેવા ઉપરાંત અનેક દેશોના બજારો પણ બંધ કરાવી દીધા છે.

Read More »
World
Ashadeep Newspaper

આજે ડેમોક્રેટ જો બાઇડેન અમેરિકાના ૪૬મા પ્રમુખ તરીકે શપથ ગ્રહણ કરશે

। વોશિંગ્ટન । વિશ્વની મહાસત્તા ગણાતા દેશમાં સત્તા પરિવર્તનના મહત્ત્વના ઘટનાક્રમમાં પ્રેસિડેન્ટ ઇલેક્ટ જો બાઇડેન ૨૦ જાન્યુઆરીના બુધવારે ભારતીય સમય

Read More »