અયોધ્યા રામનું જન્મસ્થળ, કોર્ટ આનાથી આગળ ન વધે : વકીલ

અયોધ્યા રામનું જન્મસ્થળ, કોર્ટ આનાથી આગળ ન વધે : વકીલ

 નવી દિલ્હી

સતત છઠ્ઠા દિવસે અયોધ્યા બાબરી મસ્જિદ કેસની સુપ્રીમમાં સુનાવણી ચાલી હતી. બુધવારની સુનાવણીમાં ચીફ જસ્ટિસ રંજન ગોગોઈની આગેવાની વાળી બંધારણીય ખંડપીઠે હિંદુ પક્ષકાર રામલલ્લા વિરાજમાન અને મુસ્લિમ પક્ષની દલીલો સાંભળી હતી.

બુધવારની સુનાવણીમાં રામલલ્લા વિરાજમાન વતી સિનિયર વકીલ સીએસ વૈદ્યનાથને ખંડપીઠ સમક્ષ દલીલો રજૂ કરતા કહ્યું કે અયોધ્યા ભગવાન રામનું જન્મસ્થળ હોવાની હિંદુઓની માન્યતા છે અને તેથી કોર્ટે તર્કસંગત તપાસ માટે આનાથી આગળ ન વધવુ જોઈએ. રામનું જન્મસ્થળ ખુદ એક દેવતા છે અને મુસ્લિમોએ ૨.૭૭ એકરની વિવાદિત જમીન પર કોઈ હકદાવો ન કરવો જોઈએ. તેમણે કહ્યું કે મોગલ બાદશાહ અકબર અને જહાંગીરના કાળમાં ભારત આવનાર બ્રિટિશ યાત્રી વિલિયમ ફિંચ અને વિલિયમ હોકિન્સે પણ તેમના પ્રવાસ વૃતાંતમાં રામજન્મભૂમિ અને અયોધ્યા અંગે સ્પસ્ટ ઉલ્લેખ કરેલો છે. વૈદ્યનાથને એવી પણ દલીલ કરી કે સ્ટ્રક્ચર તો કોઈ પણ દિવસે તોડી શકાય છે પરંતુ લોકોની આસ્થામાં જન્મસ્થળ છે અને રહેશે દેવતા ક્યારેય ખતમ થતા નથી.  સુનાવણી દરમિયાન વકીલે એમ પણ જણાવ્યું કે, સ્કંદ પુરાણમાં પણ તેનો ઉલ્લેખ છે. કોર્ટે પૂછયું હતું કે, તે ક્યારે લખાયું તો વકીલે જણાવ્યું કે, મહાભારત કાળમાં તે લખાયું હતું તેનો યોગ્ય સમય કોઈને ખબર નથી.

વૈદ્યનાથનની દલીલોનો કોઈ સાક્ષી નહીં : મુસ્લિમ પક્ષકાર

મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવને સીએસ વૈદ્યનાથનની દલીલો પર વાંધો ઉઠાવ્યો હતો. રાજીવ ધવને કહ્યું કે તેઓ દલીલમાં ચીજોને છોડીને વાંચી રહ્યાં છે. આ વાતોનો કોઈ સાક્ષી નથી. જોકે ચીફ જસ્ટિસે તેમને ટપારતાં કહ્યું કે જ્યારે વારો આવે ત્યારે તમે તમારી દલીલો રજૂ કરજો.અમે તમને સાંભળીશું.

સુપ્રીમે શું કહ્યું

ચીફ જસ્ટિસની આગેવાની વાળી ખંડપીઠે મુસ્લિમ પક્ષકારના વકીલ રાજીવ ધવનનો વાંધો ફગાવી દઈને સીએસ વૈદ્યનાથનને દલીલો કરવા માટે વધારે સમય આપ્યો હતો. ખંડપીઠના જસ્ટિસ બોબડેએ પૂછયું કે વિવાદિત જમીન પર હિંદુ અને મુસ્લિમોની સંયુક્ત માલિકીની હોવાથી મુસ્લિમોને કેવી રીતે હાંકી કઢાય. સીએસ વૈદ્યનાથનેકહ્યું કે ભગવાન રામનું જન્મસ્થળ ખુદ એક દેવતા છે અને મુસ્લિમોએ વિવાદિત જમીન પર કોઈ દાવો ન કરવો જોઈએ.જમીનના બે ભાગ પાડવા વિનાશમાં પરિણમશે.