અમેરિકા જવા 32 વર્ષનો જયેશ પટેલ 81 વર્ષીય વૃદ્ધ બનીને એરપોર્ટ પહોંચ્યો,ચામડી પરથી પકડાઈ ગયો

અમેરિકા જવા 32 વર્ષનો જયેશ પટેલ 81 વર્ષીય વૃદ્ધ બનીને એરપોર્ટ પહોંચ્યો,ચામડી પરથી પકડાઈ ગયો

જયેશ પટેલ પાસે વિઝા ન હતા, એટલે જેની પાસે વિઝા હતા, તેના પાસપોર્ટનો દુરુપયોગ કર્યો 

નવી દિલ્હીઃ ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પર 81 વર્ષીય વૃદ્ધના પાસપોર્ટ પર અમેરિકા જવાનો પ્રયાસ કરી રહેલો એક 32 વર્ષીય યુવક ઝડપાયો હતો. આ યુવકે એ વૃદ્ધ જેવો હુરિયો બનાવ્યો હતો. તેણે વાળ અને દાઢીને એ વૃદ્ધ જેવા ચશ્મા, પાઘડી અને કપડાં પણ પહેર્યા હતા. કોઈને શંકા ના જાય એટલે તે વ્હિલચેરમાં એરપોર્ટ ગયો હતો. જોકે, આ યુવક ચહેરા પર નકલી કરચલીઓ બનાવી નહોતો શક્યો અને છેવટે ચામડીના કારણે ઝડપાઈ ગયો.

પૂછપરછ કરતા પોલ ખૂલી
રવિવારે રાતે આશરે 8 વાગ્યે એરપોર્ટ ટર્મિનલ-3 પર તે વૃદ્ધ બનીને ગયો હતો. રાત્રે 10:45 વાગ્યે ન્યૂયોર્ક જતી ફ્લાઈટમાં સવાર થવાનો જ હતો, ત્યારે સિક્યોરિટી ઈન્સ્પેક્ટરે તેને મેટલ ડિટેક્ટર ક્રોસ કરવાનું કહ્યું, પરંતુ તે ‘વૃદ્ધ’ ચાલવાનું તો દૂર, સીધો ઊભો પણ નહોતો રહી શકતો. બાદમાં વાતચીતમાં તેણે અવાજ ભારે રાખવાનો પ્રયાસ કર્યો અને છેવટે નજર બચાવવા લાગ્યો. આ દરમિયાન તેની ચામડી જોઈને ઈન્સ્પેક્ટરને શંકા ગઈ કારણ કે, આટલા વૃદ્ધ માણસની ચામડી યુવાન જેવી હતી. એટલે તેનો પાસપોર્ટ તપાસવામાં આવ્યો, પરંતુ તેમાં બધુ બરાબર હતું. પાસપોર્ટમાં તેનું નામ અમરીક સિંહ અને જન્મ તારીખ 1 ફેબ્રુઆરી, 1938 હતી. છેવટે તેની સઘન પૂછપરછ કરતા ખબર પડી કે, તે વૃદ્ધ નથી પણ યુવાન છે. બાદમાં તેણે પોતાનું સાચું નામ જયેશ પટેલ કહ્યું હતું. આ યુવક અમદાવાદનો 32 વર્ષીય યુવક છે. આ યુવક ઈમિગ્રેશન અધિકારીઓના હવાલે કરી દેવાયો હતો.

દલાલ પાસેથી ખરીદ્યો હતો વિઝા ધરાવતો પાસપોર્ટ, હુબહુ હુરિયો બનાવ્યો
તપાસમાં સામે આવ્યું છે કે, જયેશ પટેલ કોઈ પણ રીતે અમેરિકા જવા ઈચ્છતો હતો. આ માટે એક દલાલે તેને 81 વર્ષના વ્યક્તિનો અસલી પાસપોર્ટ આપ્યો હતો, જેના પર વિઝાના સિક્કા હતા. પાસપોર્ટમાં વૃદ્ધના ફોટોના આધારે જયેશે બિલકુલ તેમના જેવો હુરિયો બનાવીને એરપોર્ટ પહોંચ્યો હતો.