અમેરિકામાં સ્થાનિક ત્રાસવાદ વધી રહ્યો છે : FBIના વડાએ આપી ગંભીર ચેતવણી

અમેરિકામાં સ્થાનિક ત્રાસવાદ વધી રહ્યો છે : FBIના વડાએ આપી ગંભીર ચેતવણી

। વોશિંગ્ટન ।

એફબીઆઇના નિયામક ક્રિસ્ટોફર વ્રેએ અમેરિકાના કેપિટોલ હિલ ખાતે જાન્યુઆરીમાં સર્જાયેલી હિંસાને સ્પષ્ટપણે સ્થાનિક ત્રાસવાદ ગણાવી છે. તેમણે ચેતવણી આપી હતી કે સ્થાનિક ત્રાસવાદની વધી રહેલી ઘટનાઓને કારણે એજન્સી પર હજારો તપાસોનો બોજ વધ્યો છે. ૬ જાન્યુઆરીના રોજ હિંસાની શક્યતા અંગેના ગુપ્તચર એજન્સીના અહેવાલ પછી એજન્સીએ જે રીતે તે ઘટનાક્રમનો સામનો કર્યો તેનો બચાવ કરતાં એફબીઆઇ નિયામકે કેટલાક રિપબ્લિક્સ સભ્યો દ્વારા થઈ રહેલા દાવાઓને પણ ફગાવી દીધા હતા. કેટલાક રિપબ્લિક સભ્યો દાવો કરતા રહ્યા હતા કે પ્રમુખકીય ચૂંટણીને પ્રમાણિત કરવા કોંગ્રેસ મળી રહી હતી ત્યારે ધસી આવીને ટ્રમ્પ વિરોધી જૂથોએ તે રમખાણો કર્યા હતા.

વ્રે સેનેટ ન્યાય સમિતિ સમક્ષ જુબાની આપી રહ્યા હતા. કેપિટોલ હિલ ઘટના વખતે કાયદો અને વ્યવસ્થા સંભાળી રહેલી એજન્સીએ નિભાવેલી ભૂમિકા અંગે સેનેટમાં અનેક પદાધિકારીઓની સુનાવણી હાલમાં ચાલી રહી છે. સેનેટર્સ દાવા કરી રહ્યા હતા કે કેપિટોલ હિલ ખાતેની ઘટના હિંસા પહેલાં સીબીઆઇ ગુપ્ચતર બાતમી પર કામ કરવામાં નિષ્ફળ રહી હતી. તેઓ એવા દાવા પણ કરી રહ્યા હતા કે ભાડૂતી લડવૈયા અને અન્ય આતંકવાદીઓના જોખમને ઓળખવામાં પણ એફબીઆઇ નિષ્ફળ રહી હતી. પરંતુ સીબીઆઇનું કહેવું છે કે તે સ્થાનિક આતંકવાદને પણ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠનો જેટલી જ અગ્રિમતા આપે છે.

આંતરિક આતંકવાદ મુદ્દે એજન્સી વારંવાર ચેતવણી આપતી રહી છે : એફબીઆઇ

એફબીઆઇના વડાએ સેનેટ સમિતિને જણાવ્યું હતું કે ૬ જાન્યુઆરીની ઘટના કાંઈ એકલ દોકલ ઘટના નથી. લાંબા સમયથી દેશમાં સ્થાનિક આતંકવાદ પાંગરી રહ્યો છે, અને ટૂંકા સમયગાળામાં તે ખતમ થઈ શકે તેમ નથી. કેટલાક વર્ષથી એફબીઆઇ આ ચેતવણી આપતી રહી છે.

આંતરિક જોખમોની ચાલી રહી છે સમીક્ષા

૧૧ સપ્ટેમ્બર ૨૦૦૧ના હુમલા પછી સુરક્ષા એજન્સીઓએ આંતરરાષ્ટ્રીય ત્રાસવાદી સંગઠનો સામે લડવાની પોતાની સજ્જતા વધારી હતી , પરંતુ કેપિટોલ હિલ ખાતે બનેલી ઘટના કહે છે કે એજન્સીઓ હવે શ્વેત અમેરિકન્સ દ્વારા આચરવામાં આવતી હિંસાનો સામનો કરવા ઝઝૂમી રહી છે. પ્રમુખ જો બાઇડેન વહીવટીતંત્રે ગુપ્તચર એકમ, એફબીઆઇ અને આંતરિક સુરક્ષા વિભાગને આવા આંતરિક જોખમોની સમીક્ષા કરવા જણાવ્યું છે.

( Source – Sandesh )