અંધવિશ્વાસ : લગ્ન પ્રસંગે ભેગા થયેલા 40થી 50 પરિવારજનો એક સાથે ધૂણવા લાગ્યા, અંતે પિતા-પુત્રનું મોત

અંધવિશ્વાસ : લગ્ન પ્રસંગે ભેગા થયેલા 40થી 50 પરિવારજનો એક સાથે ધૂણવા લાગ્યા, અંતે પિતા-પુત્રનું મોત

મધ્ય પ્રદેશના રતલામ જિલ્લાના શિવગઢ પોલીસ સ્ટેશનમાં એક લગ્નવાળા ઘરમાંથી અંધવિશ્વાસનો ખૂબ વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. લગ્ન પ્રસંગ હોવાથી ઘરે મહેમાનો આવેલા હતા. 6 રૂમના ઘરમાં 40થી 50 લોકો હતા. દરેક પરિવારજનો અચાનક ઘૂણવા લાગ્યા અને ત્યારપછી તેમની વચ્ચે અંદર અંદર મારામારી પણ થઈ હતી. પરિવારજનોનું કહેવું હતું કે કોઈ શક્તિ હતી જે તેમને ઘરની બહાર નહતી નીકળવા દેતી. આ દરમિયાન એક 24 વર્ષના યુવકનું મોત થયું અને તેની થોડીવાર પછી જ તેના 3 વર્ષના દીકરાનું પણ મોત થયું હતું. પોલીસને ઘટનાની જાણ થતાં તેઓ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે બંધક પરિવારજનોને ઘરની બહાર કાઢ્યા હતા.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઠિકરિયા ગામમાં કાંજી ખરાડીની દીકરી સાગર અને ભાણી સીમાના 22 ફેબ્રુઆરીએ લગ્ન હતા. 16 ફેબ્રુઆરીએ તેમની પીઠીની વિધિ રાખવામાં આવી હતી. બહારથી પણ ઘણાં મહેમાન આવ્યા હતા. અહીં લગ્નનો માહોલ હતો તે દરમિયાન અચાનક અંધવિશ્વાસના કહેર પરિવાર પર ટૂટી પડ્યો અને ખુશીનો પ્રસંગ માતમમાં ફેરવાઈ ગયો હતો. અહીં મારઝૂડ દરમિયાન અમુક લોકોને ઈજા પણ થઈ હતી.

શનિવારે સવારે અંદાજે 11 વાગે કાંજીના 24 વર્ષના દીકરા રાજારામ ખરાડીને જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. ત્યાં તેને મૃત જાહેર કરવામાં આવ્યો. ત્યારપછી બપોરે 1.15 વાગે રાજારામના 3 વર્ષના દીકરા આદર્શને પણ જિલ્લા હોસ્પિટલ લાવવામાં આવ્યો હતો. તેને પણ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. રાજારામની પીઠ, ચહેરા અને હાથ ઉપર ઈજાના નિશાન દેખાયા હતા. આદર્શના ચહેરા અને પીઠ ઉપર પણ ઈજાના નિશાન દેખાયા હતા. પોસ્ટમોર્ટમ પછી બંનેના મૃતદેહો પરિવારજનોને સોંપી દેવામાં આવ્યા હતા.

બે દિવસ પહેલાંથી ભાઈને કઈક થતું હતું
રાજારામના નાના ભાઈ વિક્રમે જણાવ્યું કે, ઘરમાં લગ્ન પ્રસંગ હોવાથી તેની બહેનો, બહેનોના બાળતો અને અન્ય સંબંધીઓ ઘરે આવ્યા હતા. 16 ફેબ્રુઆરીએ રાજારામ વડના ઝાડ પાસે ગયા હતા. ત્યાંથી આવ્યા પછી જ તેઓ ધૂણવા લાગ્યા હતા. લોકો સમજ્યા કે તેમનામાં કોઈ અજાણી તાકાતે કબજો કરી લીધો છે. ત્યારપછી 19 ફેબ્રુઆરીની રાત્રે તેઓ વધારે ધૂણવા લાગ્યા અને તેમની સાથે અન્ય પરિવારજનો પણ ધૂણવા લાગ્યા હતા. માથુ પણ ભારે થઈ ગયું હોય એવો અહેસાસ થતો હતો.
કઈ સમજાતું નહતું કે શું થઈ રહ્યું છે. અલગ અલગ રૂમમાં 40-50 લોકો હતા. એવુ લાગતું હતું કે, કોઈ અજાણી શક્તિ કોઈને ઘરની બહાર નથી નીકળવા દેતી. આખી રાત આ રીતે જ પસાર થઈ. શનિવારે સવારે હું ઘરની બહાર નીકળ્યો અને લોકોને આ વિશે માહિતી આપી. ત્યારપછી મારા જીજાએ પોલીસને માહિતી આપી. પોલીસ ઘટના સ્થળે પહોંચી અને તેમણે પરિવારજનોને ઘરની બહાર કાઢ્યાં. દરેક પરિવારજનોનું એવું જ કહેવું છે કે, તેમની સાથે શું થયું તે તેમને સમજાયું જ નહીં. હવે પોલીસ સમગ્ર ઘટનાની તપાસ કરી રહી છે.

( Source – Divyabhaskar )