સ્ત્રી બનવાના કોડ જાગ્યા : અમદાવાદમાં ડોક્ટરથી માંડી બિઝનેસમેન સુધી 20 પુરુષ સ્ત્રી બનવા માટે વેઈટિંગ લિસ્ટમાં

સ્ત્રી બનવાના કોડ જાગ્યા : અમદાવાદમાં ડોક્ટરથી માંડી બિઝનેસમેન સુધી 20 પુરુષ સ્ત્રી બનવા માટે વેઈટિંગ લિસ્ટમાં

  • ઉત્તર ગુજરાતનાે સ્ત્રી બની ગયેલો યુવક ગામ લોકોને શંકા ન જાય તે માટે અગાઉ છોકરીની જેમ જ રહેતો
  • કોર્પોરેટ હોસ્પિટલોમાં સર્જરી માટે 8 લાખનો ખર્ચ, 15 દિવસમાં શહેરના 6 પુરુષો સર્જરી કરાવી સ્ત્રી બની ગયા

ગુજરાતના જુદાજુદા પ્લાસ્ટિક સર્જન્સ પાસે 20 પુરુષો સ્ત્રી બનવાની સર્જરી કરાવવા લાઈનમાં છે. જેમાં ડૉક્ટરોથી લઈ બિઝનેસમેનનો સમાવેશ થયો છે. અમદાવાદના સિનિયર પ્લાસ્ટિક સર્જન ડૉ. શ્રીકાંત લાગવણકરે કહ્યું કે, કોર્પોરેટ હોસ્પિટલમાં આ સર્જરી માટે આઠ લાખ રૂપિયા સુધીનો ખર્ચ થઈ શકે છે. કેટલાક લોકો પોતાની ઓળખ છતી ના થાય તે માટે વિદેશ જઈને પણ સર્જરી કરાવે છે. અમદાવાદમાં છેલ્લા 15 દિવસમાં 6 લોકોની સર્જરી થઈ ચૂકી છે.

25 ફેબ્રુઆરીના રોજ ઉત્તર ગુજરાતના ગામમાં રહેતા એક યુવકે વાસણા સ્થિત પ્રભુજ્યોત હોસ્પિટલ ખાતે સ્ત્રી બનવાની સર્જરી કરાવી છે. તેણે નામ નહીં આપવાની શરતે જણાવ્યું કે, છોકરો હોવા છતાં તે નાનપણથી ગામમાં છોકરી તરીકે રહ્યોં હતો. ગામના લોકોને શંકા ના થાય તે માટે દર મહિને ત્રણ દિવસ માસિક આવવાનું પણ નાટક કર્યું હતું. વજાઈનલ સર્જરી બાદ તેણે આંખમાં આંસુ સાથે સ્ત્રી તરીકેનો નવો જન્મ મળ્યાની ખુશી વ્યક્ત કરી હતી. સ્ત્રી બનેલી દેવાંશી કહે છે કે મારે પણ લગ્ન કરવા છે, હું બાળકને દત્તક લઈ માતાનો પ્રેમ આપીશ.

સેટેલાઈટમાં રહેતા બે સંતાનોના આધેડ બિઝનેસમેન પિતાને સ્ત્રી બનવાના કોડ જાગ્યા
શહેરના સેટેલાઈટ વિસ્તારની પોશ સોસાયટીમાં રહેતા 48 વર્ષીય શ્રીમંત બિઝનેસમેન સ્ત્રી બનવા ઈચ્છે છે. તેમના બે સંતાનો વિદેશમાં અભ્યાસ કરે છે, પોતાનો ધંધો વેલસેટ છે. તે કહે છે કે, 12-13 વર્ષની ઉંમરથી પોતે સ્ત્રી હોવાનો તેમને અહેસાસ થતો હતો. સ્ત્રી જેવા લક્ષણોથી નાખુશ માતા-પિતાએ તેમને બોર્ડિંગ સ્કૂલ મોકલ્યા હતા. ત્યાં તેમનું શારીરિક અને માનસિક બંને રીતે ખૂબ શોષણ થયું હતું ત્યારબાદ પરિવારે તેમના જબરદસ્તી લગ્ન કરાવ્યા હતાં. લગ્ન બાદ તેમને બે સંતાન પણ થયા. એક દિવસ હિંમત કરીને પત્નીને હકીકત જણાવી તો પત્નીએ બીજા પુરુષ સાથે સંબંધ રાખવાનું શરૂ કર્યું હતું. 10 વર્ષ પહેલા તેમણે પત્નીને છૂટાછેડા આપ્યા હતા. હાલ ઘરમાં તે એકલવાયું જીવન વિતાવી રહ્યાં છે. તે કહે છે કે, સ્ત્રીત્વના કારણે તેઓ આજેય શર્ટ-પેન્ટની અંદર પુરુષના આંતરવસ્ત્રો પહેરવાના બદલે સ્ત્રીઓના આંતરવસ્ત્રો પહેરીને જ ઓફિસ જાય છે. તેમની ઈચ્છા વજાઈનલ સર્જરી કરાવી સ્ત્રી બનવાની છે.

સમાજના દૃષ્ટીકોણમાં અમે પરિવર્તન લાવીશું
26 વર્ષીય અધ્યાસા દાલવીએ ફેબ્રુઆરી મહિનામાં તેમણે ટ્રાન્સ વુમનની સર્જરી કરાવી છે. તે કહે છે કે, નોકરીના સ્થળે અમારે શોષણના ભોગ બનવું પડે છે. અમારા પ્રત્યેના ખરાબ દૃષ્ટિકોણના કારણે દુખ થાય છે. અમે સમાજના દૃષ્ટિકોણમાં પરિવર્તન લાવીશું.

અઠવાડિયામાં ત્રણની વજાઈનલ સર્જરી કરી
પ્લાસ્ટિક સર્જન ડૉ. હર્ષ અમીને જણાવ્યું હતું કે, છેલ્લા એક અઠવાડિયામાં ત્રણ પુરુષની વજાઈનલ સર્જરી કરી છે. જોકે આ કોસ્મેટિક સર્જરી આર્ટિફિશિયલ હોય છે. આ અંગોનો કુદરતી સિદ્ધાંત મુજબ ઉપયોગ થઈ શકતો નથી. નવી ટેક્નોલોજી મુજબ આંતરડામાંથી વજાઈના બનાવી શકાય છે. પેનિસની ચામડીમાંથી પણ વજાઈના બની શકે છે.

( Source – Divyabhaskar )