સર્વે / 76 % ગુજરાતી યુવક-યુવતીઓ પોતાની રીતે જ લાઈફ પાર્ટનર શોધે છે, 58 % વિદેશ જવા તૈયાર

સર્વે / 76 % ગુજરાતી યુવક-યુવતીઓ પોતાની રીતે જ લાઈફ પાર્ટનર શોધે છે, 58 % વિદેશ જવા તૈયાર

  • મેટ્રોમોની સાઈટે જીવનસાથી પસંદગી અંગે ગુજરાતમાં સર્વે કર્યો
  • સૌથી વધુ અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરાના યુવાઓ ઓનલાઈન લાઈફ પાર્ટનર શોધે છે
  • વિદેશી લાઈફ પાર્ટનર માટે US, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને UK જેવા દેશોને પ્રથમ પસંદગી
  • અમદાવાદઃ ઓનલાઈન જીવન સાથી શોધવા માટેની દેશની જાણીતી મેટ્રોમોની સાઈટે ગુજરાતમાં કરેલા સર્વેમાં યુવાઓ દ્વારા શોધવામાં આવતા લાઈફ પાર્ટનરને લઈ રસપ્રદ વિગતો બહાર આવી છે. 27 ટકા યુવતીઓ અને 73 ટકા યુવકો સાથે 2 લાખ રજિસ્ટર્ડ યુઝર્સના આધારે તૈયાર કરવામાં આવેલા આ સર્વેમાં 76 ટકા ગુજરાતીઓ પોતાની રીતે જ લાઈફ પાર્ટનર શોધે છે. જો કે આ સાઈટ પર 76 ટકા પ્રોફાઈલ જે તે લગ્ન વાંચ્છુઓની છે, જ્યારે 10 ટકા પ્રોફાઈલ પેરેન્ટ્સ અથવા સગા સંબંધીઓ દ્વારા બનાવવામાં આવી છે. આ સાઈટ પરની કુલ પ્રોફાઈલમાં 10 ટકા એનઆરઆઈ સામેલ છે. તેમજ 58 ટકા યુઝર્સ વિદેશીને લાઈફ પાર્ટનર બનાવવા તૈયાર છે. જેમાં અમેરિકા, કેનેડા, ઓસ્ટ્રેલિયા અને યુકે તેમના પસંદગીના દેશો છે.

23થી 27 વચ્ચેની વયના મૂરતિયાઓ 39 ટકા યુવતીઓની પસંદ
આ સર્વે મુજબ, 39 ટકા યુવતીઓ 23થી 27 વચ્ચેની વયના મૂરતિયાઓ પસંદ કરે છે, જ્યારે 38 ટકા યુવકો 26થી 30 વચ્ચેની વયની યુવતીઓ પસંદ કરે છે. માત્ર એટલું જ નહીં, 37 ટકા યુવતીઓ અને 39 ટકા યુવકો આતંરજ્ઞાતિય લગ્ન કરવા તૈયાર છે.

55 ટકા યુવતીઓ અને 37 ટકા યુવકો આર્ટ્સને પ્રાથમિકતા આપે છે
જ્યારે શૈક્ષણિક લાયકાતને લઈને વાત કરીએ તો રજિસ્ટર્ડ યુઝર્સમાંથી 55 ટકા યુવતીઓ અને 37 ટકા યુવકો આર્ટ્સને પ્રાથમિકતા આપે છે. તેમજ 31 ટકા યુવતીઓ અને 14 ટકા યુવકો માસ્ટર્સ અને તેની ઉપરની શૈક્ષણિક લાયકાત ધરાવતા ઉમેદવારો શોધે છે. તેમજ યુવકોમાં સૌથી વધુ બિઝનેસમેનો અને ત્યાર બાદ મેનેજર્સે રજિસ્ટ્રેશન કરાવેલું છે. જ્યારે યુવતીઓમાં સૌથી વધુ એક્ઝિક્યુટિવ અને એકેડેમિશિયને રજિસ્ટ્રેશન કરાવ્યું છે.

85 ટકા લગ્ન યુવક-યુવતીઓ મોબાઈલ પર જ લાઈફ પાર્ટનર શોધે છે
શહેરોની વાત કરીએ તો સૌથી વધુ અમદાવાદ, સુરત, રાજકોટ અને વડોદરાના યુવક-યુવતીઓ ઓનલાઈન લાઈફ પાર્ટનર શોધી રહ્યા છે. જ્યારે ગુજરાત બહાર મુંબઈમાંથી સૌથી વધુ યુવક-યુવતીઓએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે. ત્યાર બાદ થાણે, પૂણે અને બેંગાલુરૂ જેવા શહેરો છે. મોબાઈલ અને ઈન્ટરનેટ યુગમાં 85 ટકા લગ્ન વાંચ્છુઓ તેમના મોબાઈલ પર જ લાઈફ પાર્ટનર શોધે છે.