શિવરાત્રીએ 4 પ્રહરની પૂજાનું છે ખાસ મહત્વ, જાણો શિવજીને પ્રસન્ન કરવાના ઉપાય

શિવરાત્રીએ 4 પ્રહરની પૂજાનું છે ખાસ મહત્વ, જાણો શિવજીને પ્રસન્ન કરવાના ઉપાય

શિવરાત્રીનો (Maha shivratri )દિવસ શિવ ઉપાસના માટે ખૂબ જ વિશેષ છે. આ દિવસની પ્રત્યેક ક્ષણ શિવ કૃપાથી ભરેલી છે. શિવ ભક્તો સવારે પૂજા કરે છે. પરંતુ શિવરાત્રી પર રાત્રીની પૂજા સૌથી મહત્વપૂર્ણ છે. આનાથી પણ મહત્વનું એ છે કે ચાર પ્રહરની ઉપાસના.

આ પૂજા સાંજથી બ્રહ્મમુહુર્ત સુધી શરૂ થાય છે. આ પૂજામાં આખી રાતનો ઉપયોગ કરવામાં આવે છે. આ પૂજા મુખ્યત્વે જીવનના ચારે ભાગોને દર્શાવવામાં આવે છે. ધર્મ, અર્થ,મોક્ષ અને કામને લઇને વિશેષ નિયમ છે, જેના પાલન દ્વારા વિશેષ લાભ થાય છે.

પ્રથમ પ્રહરની પૂજા
આ પૂજા સામાન્ય રીતે સંધ્યાકાળે કરવામાં આવે છે. આ લગભગ પ્રદોષ કાળમાં સાંજે 06.00થી 09.00 સુધી ચાલે છે. આ પૂજામાં શિવજીને દૂધ અર્પણ કરવામાં આવે છે. સાથે જળનો અભિષેક કરવામાં આવે છે. આ પ્રહરની પૂજામાં શિવ મંત્રના જાપ કરી શકો છો. આ પૂજાથી શિવ કૃપા પ્રાપ્ત થશે.

બીજા પ્રહરની પૂજા
આ પૂજા રાત્રીએ શરૂ થાય છે. રાત્રિના 09.00થી 12.00 વચ્ચે આ પૂજા થાય છે. આ પૂજામાં શિવજીને દહીં અર્પણ કરવામાં આવે છે. સાથે જળથી ધારા કરી અભિષેક કરવામાં આવે છે. બીજા પ્રહરમાં પૂજામાં શિવ મંત્ર અવશ્ય કરજો. આ પૂજાથી વ્યક્તિને ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત થાય છે.

ત્રીજા પ્રહરની પૂજા
મધ્યરાત્રિ દરમિયાન આ પૂજા કરવામાં આવે છે. તે રાત્રે 12.00 થી 03.00 ની આસપાસ કરવામાં આવે છે. આ પૂજામાં શિવને ઘી ચડાવવું જોઈએ. એના પછી તેઓને શુદ્ધ જળથી અભિષેક કરવો જોઈએ. આ સમયમાં શિવની પ્રશંસા ખાસ કરીને ફળદાયી છે. આ સમયમાં શિવનું ધ્યાન પણ લાભકારક છે. આ પૂજાથી વ્યક્તિની દરેક મનોકામના પૂર્ણ થાય છે.

ચોથા પ્રહરની પૂજા
આ પૂજા વહેલી પરોઢે થાય છે. તે મોડી રાત્રે 03.00 થી 06.00 દરમિયાન કરવામાં આવે છે. આ પૂજામાં શિવને મધ ચડાવવું જોઈએ. આ પછી, તેઓને શુદ્ધ જળથી અભિષેક કરવો જોઈએ. આ સમયમાં શિવમંત્રનો જાપ અને સ્તુતી બંને ફળદાયી છે. આ ઉપાસનાથી વ્યક્તિના પાપો દૂર થાય છે અને વ્યક્તિ મુક્તિ માટે હકદાર બને છે.