ગુરૂવારે શરૂ થશે પવિત્ર શ્રાવણ માસ, ભોલેનાથની ભક્તિમાં ભક્તો થશે તરબોળ

ગુરૂવારે શરૂ થશે પવિત્ર શ્રાવણ માસ, ભોલેનાથની ભક્તિમાં ભક્તો થશે તરબોળ

શિવ ભક્તો જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે તે પવિત્ર શ્રાવણ માસ 1 ઓગસ્ટ અને ગુરૂવારથી શરૂ થઈ રહ્યો છે. શ્રાવણ માસની શરૂઆત નજીક હોય શિવભક્તોમાં પણ અનેરો થનગનાટ જોવા મળી રહ્યો છે.ચાલુ વર્ષે ગુરુપુષ્યામૃત યોગ અને પડવાની ક્ષયતિથિ સાથે શ્રાવણ માસની રંગારંગ શરૂઆત થશે. સૂર્યોદય તિથિની જગ્યાએ 1 ઓગસ્ટના ગુરુવારે સવારે 8.42 વાગ્યા પછી શ્રાવણ માસની શરૂઆત થશે.

પવિત્ર શ્રાવણ માસ દરમિયાન 3૦ દિવસ સુધી ભોલેનાથની પૂજા-અર્ચના, આરાધના બાદ 3૦ ઓગસ્ટે શ્રાવણની સમાપ્તિ થશે. ભક્તોમાં શ્રાવણ માસને લઈને આતુરતા જોવા મળી રહી છે. હિન્દુ સમુદાયમાં દાયકાઓથી ચાલી આવતી પરંપરા પ્રમાણે દર વર્ષે શ્રાવણ સુદ અમાસથી શ્રાવણ વદ અમાસ સુધી શિવ આરાધનાનો દોર જોવા મળે છે. દરમિયાન મંદિરોમાં શિવપૂજા, શિવલિંગનું અનુષ્ઠાન સહિતના કાર્યક્રમોની વણઝાર જોવા મળે છે.

શિવભક્તો શહેરમાં અને શહેર આસપાસ આવેલા જાણીતા શિવમંદિરોમાં જઇ ભોલેનાથની પૂજા-અર્ચનાનો લાભ લે છે. જે અંતર્ગત ચાલુ વર્ષે 1 ઓગસ્ટના ગુરુવારથી શ્રાવણનો આરંભ થશે. જોકે, ચાલુ વર્ષે પડવાની ક્ષયતિથિ હોવાને કારણે 1 ઓગસ્ટે સૂર્યોદય તિથિમાં અષાઢ વદ અમાસ હોવાની સાથે જ સવારે 8.42 વાગ્યા બાદ શ્રાવણ માસની શરૂઆત થશે.

ઘણા વર્ષો પછી નાગપંચમી સોમવારના દિવસે આવી રહી છે. શ્રાવણ માસના ગ્રહ નક્ષત્રો પ્રમાણે ખંડ વર્ષા યોગ બને છે. તો આ વખતે રક્ષાબંધન અને 15મી ઓગસ્ટ એક જ દિવસે હોવાથી આ દરેક પર્વ ખુબજ યાદગાર બની જશે.

કેટલાક લોકો આખો શ્રાવણમાસ માત્ર ફળાહાર કરીને કરતા હોય છે કેટલાક લોકો અકટાણું ખાઈને શ્રાવણમાસ કરતા હોય છે. ઉપવાસની સાથે સાથે શ્રાવણમાસમાં ભોલેનાથના મંદિરોમાં ત્રણ વખત આરતી થશે. બારેબાર જ્યોર્તિલિંગોની વિશેષ પૂજા અર્ચના કરવામા આવશે. આખા દેશમાં ભોલેનાથની પૂજા અર્ચના કરીને ભક્તિનો અવસર પ્રાપ્ત થશે.