કેન્સલેશન વધ્યું : ફ્લાઇટો ઘટતાં 25 ટકાથી વધુ પેસેન્જર્સે ટિકિટો કેન્સલ કરાવી

કેન્સલેશન વધ્યું : ફ્લાઇટો ઘટતાં 25 ટકાથી વધુ પેસેન્જર્સે ટિકિટો કેન્સલ કરાવી

  • RTPCR ફરજિયાત કરાતાં ટિકિટ કેન્સલેશન વધ્યું
  • રોજની 100ની જગ્યાએ 80 ડોમેસ્ટિક ફ્લાઇટનું સંચાલન

અમદાવાદ સહિત દેશભરમાં કોરોનાના કેસોમાં વધારો થતાં લોકોએ પ્રવાસ કરવાનું ટાળ્યું છે. તેની સાથે સાથે સરકારે પણ ફ્લાઇટોની સંખ્યા 20 ટકા જેટલી ઘટાડવાનો આદેશ કરતા લગભગ તમામ એરલાઈન્સે ફ્લાઈટોની સંખ્યા ઘટાડી દીધી છે.

એક જ શહેર માટે સંચાલિત થતી બે કે તેથી વધુ ફ્લાઇટોની જગ્યાએ હવે એક જ ફ્લાઇટ ઓપરેટ કરવામાં આવી રહી છે, જેના પગલે અમદાવાદ એરપોર્ટના ડોમેસ્ટિક ટર્મિનલ પર દરરોજ સરેરાશ 100થી વધુ ફ્લાઈટો આવતી હતી, તેની સામે હાલ 80થી 85 જેટલી ફ્લાઈટનું સંચાલન થઈ રહ્યું છે. અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટોની સંખ્યા ઘટવાની સાથે લોકોએ પ્રવાસ રદ કરતાં પેસેન્જરોની સંખ્યા ઘટી રહી છે. હાલ લગભગ તમામ ફ્લાઇટમાં 50થી 60 ટકા પેસેન્જરો જ મુસાફરી કરી રહ્યા છે, તેમાં પણ પહેલી એપ્રિલથી સરકારે આરટીપીસીઆર ટેસ્ટ રિપોર્ટ નેગેટિવ હોવાનું ફરજિયાત કરતા લગભગ તમામ ફ્લાઇટમાં બુક થયેલી ટિકિટોનું કેન્સલેશન વધ્યું છે. છેલ્લા 3 દિવસથી સરેરાશ 25 ટકાથી વધુ પેસેન્જર્સે ટિકિટો કેન્સલ કરાવી હોવાનું એરલાઈન્સના અધિકારીઓ જણાવી રહ્યાં છે.

ઉલ્લેખનીય છે કે, કોરોનાના કેસો વધવાને કારણે અમદાવાદ-લંડન ફ્લાઇટ તથા અન્ય ઇન્ટરનેશનલ ફ્લાઇટો 30 એપ્રિલ સુધી રદ કરવામાં આવી છે.

( Source – Divyabhaskar )