કેટલી પેઢીઓ સુધી અનામત ચાલુ રહેશે : સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ

કેટલી પેઢીઓ સુધી અનામત ચાલુ રહેશે : સુપ્રીમ કોર્ટનો વેધક સવાલ

। નવી દિલ્હી ।

સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને પ્રશ્ન પૂછયો છે કે દેશમાં કેટલી પેઢી સુધી અનામત લાગુ રહેશે. કોર્ટે દેશમાં અનામતની ૫૦ ટકાની મર્યાદા હટાવી દેવામાં આવે તે સ્થિતિમાં પેદા થનારી અસમાનતાને લઈને પણ ચિંતા વ્યક્ત કરી છે. જસ્ટિસ અશોક ભૂષણની આગેવાની હેઠળની પાંચ ન્યાયધીશોની સંવિધાન બેન્ચે અનામતના કેસની સુનાવણી ચાલી રહી છે ત્યારે આ પ્રશ્ન ઊભો કર્યો હતો. મહારાષ્ટ્ર સરકાર વતી વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગીએ કોર્ટમાં રજૂઆત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે અનામતના મુદ્દે કોર્ટે મંડલના કેસમાં આપવામાં આવેલા ચુકાદા પર બદલાઈ ગયેલી પરિસ્થિતિમાં પુનઃવિચાર કરવાની જરૂરિયાત છે. તેમણે દલીલ કરી હતી કે મંડલ કેસને સંબંધિત ચુકાદો ૧૯૩૧ની વસ્તી ગણતરી પર આધારિત હતો. આ સંજોગોમાં ન્યાયાલયોએ બદલાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અનામતનો કોટા નક્કી કરવાની જવાબદારી રાજ્ય સરકારો ઉપર છોડી દેવી જોઈએ.

અત્યાર સુધી પછાત જાતિઓ આગળ જ નથી વધી? : કોર્ટ

સુપ્રીમ કોર્ટે ટિપ્પણી કરી હતી કે તમારા મત પ્રમાણે જો ૫૦ ટકા ટકાની કોઈ મર્યાદા રહેતી નથી તો પછી સમાનતાની શું માન્યતા રહી જશે? આના કારણે પેદા થનારી અસમાનતા માટે તમારે શું કહેવું છે? મુકુલ રોહતગીએ દલીલ કરી હતી કે હવે વસતી અનેકગણી વધી ગઈ છે અને ૧૩૫ કરોડ સુધી પહોંચી ગઈ છે. ત્યારે બંધારણીય બેન્ચે જણાવ્યું હતું કે આઝાદીના ૭૦ વર્ષ થઈ ગયા છે અને રાજ્ય સરકારો ઘણી કલ્યાણ યોજનાઓ ચલાવી રહી છે. એવામાં શું એ સ્વીકાર થઈ શકે કે કોઈ વિકાસ થયો નથી અને પછાત જાતિઓ આગળ જ નથી વધી?

( Source – Sandesh )