’એક મોકો AAPને પછી જુઓ ગુજરાતને’, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતીઓને આકર્ષવા અરવિંદ કેજરીવાલનું ગુજરાતીમાં ટ્વિટ

’એક મોકો AAPને પછી જુઓ ગુજરાતને’, સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ગુજરાતીઓને આકર્ષવા અરવિંદ કેજરીવાલનું ગુજરાતીમાં ટ્વિટ

  • ચૂંટણી પડઘમ શાંત થતાં ઉમેદવારોના ફોટા અને ચિન્હ સાથેની સ્લિપનું ઘેર ઘેર વિતરણ કરાયું
  • પૂર્વ સાંસદ અને અભિનેતા પરેશ રાવલે કેજરીવાલના ટ્વિટ પર રિટ્વિટ કરીને પ્રતિક્રિયા આપી હતી કે ‘એક મોકો આપને દૂધ પીવડાવો સાપ ને’

રાજ્યમાં આવતીકાલે રવિવારે સવારથી જ છ મહાનગર પાલિકાઓની ચૂંટણીનું મતદાન યોજાશે. ત્યારે ભાજપ અને કોંગ્રેસ સહિત આમ આદમી પાર્ટી અને ઓવૈસીની પાર્ટી પણ મેદાનમાં ઉતરી છે. હવે મતદારો કોની તરફ મતદાન કરશે એ તો પરિણામો જ બતાવશે. પરંતુ દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સુપ્રિમો અરવિંદ કેજરીવાલે ગુજરાતીમાં ટ્વિટ કરીને મતદારોને આકર્ષિત કરવાનો પ્રયત્ન કર્યો છે. તેમણે ગુજરાતીમાં ટ્વિટ કરીને રાજ્યની જનતાને AAPને એક મોકો આપવાની વાત કરી છે. તેમણે ટ્વિટમાં એવું લખ્યું છે કે એક મોકો AAPને પછી જુઓ ગુજરાતને, એટલે કે આમ આદમી પાર્ટીને એક મોકો આપો પછી ગુજરાતને જુઓ. તેમના આ ટ્વિટને રી ટ્વિટ કરીને ભાજપના પૂર્વ સાંસદ તથા અભિનેતા પરેશ રાવલે કહ્યું હતું કે ‘ એક મોકો આપ ને દૂધ પીવડાવો સાપ ને’

ઉમેદવારો જીત માટે અનેક પ્રયાસો કરી રહ્યાં છે
પ્રચાર પડઘમ શાંત થયા પછી હવે રાજકીય પક્ષોના કાર્યકરો ખાનગી મીટિંગો કરીને મતદારોને મતદાન કરવા માટે જણાવી રહ્યાં છે. કોર્પોરેશનની ચૂંટણીમાં જીતવા અંતિમ સમયે પણ ઉમેદવારો દ્વારા તમામ પ્રયત્ન કરવામાં આવી રહ્યા છે. તમામ સોસાયટીઓમાં ચૂંટણીમાં એક દિવસ અગાઉ ઉમેદવારોના નામ, ફોટા, ચિન્હ અને નંબર સાથેની સ્લિપ વહેચવામાં આવી હતી. આ સ્લિપમાં મતદારોના પણ નામ, વોર્ડનું નામ, નંબર, મતદાર ક્રમાંક અને મતદાન મથકના નામ અને રૂમ નંબર સહિતની વિગત આપવામાં આવી હતી. તમામ પક્ષ દ્વારા આ પ્રકારની સ્લિપ ઘેર ઘેર પહોંચે તેવું વ્યવસ્થા કરવામાં આવી હતી.ઘણી સોસાયટીઓમાં આગેવાનોનો સંપર્ક કરીને વધુ મતદાન કરાવવા પણ જણાવવામાં આવ્યું હતું.પ્રચાર પડઘમ શાંત થતાં પણ ઉમેદવારી દ્વારા જીતવા માટે અનેક પ્રયાસ કરવામાં આવી રહ્યા છે.
6 કોર્પોરેશનમાં કુલ 1.14 કરોડ મતદારો મત્તાધિકારનો ઉપયોગ કરશે
21 ફેબ્રુઆરીના રોજ 6 મહાનગરપાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરાશે. જેમાં કુલ 1,14,67,358 મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં કુલ 60,60,540 જેટલા પુરુષો અને 54,06,279 મહિલા મતદાર અને 539 ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયા છે. આમ, કુલ 1,14,67,358 જેટલા મતદારો 6 કોર્પોરેશન ચૂંટણીમાં મતદાન કરશે. તેમાંથી સૌથી વધુ ટ્રાન્સજેન્ડર મતદાર 204ની સંખ્યા સાથે વડોદરા પ્રથમ સ્થાને છે. આમ, કુલ 1,14,67,358 જેટલા મતદારો 6 કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરશે.

કઈ કઈ પાર્ટી ચૂંટણી મેદાને ?
રાજકીય પક્ષોની જો વાત કરવામાં આવે તો 6 કોર્પોરેશનમાં 10 જેટલા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે. જેમાં મુખ્યત્વે ભાજપ, કોંગ્રેસ , આમ આદમી પાર્ટી, નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (NCP) વચ્ચે અનેક બેઠકો પર સીધી ટક્કર છે. અન્ય પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી (BSP), ભારતીય સામ્યવાદી પક્ષ (CPI), ભારતનો સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી (SP) જનતાદળ સેક્યુલર (JDS) અને ગુજરાતમાં સૌપ્રથમ વખત ચૂંટણી મેદાને ઝંપલાવી રહેલી ઑલ ઈન્ડિયા મજલીસ -એ- ઈત્તહુદુલ મસ્લીમીન (AIMIM) સહિતના અન્ય અને અપક્ષ ઉમેદવારો પણ કોર્પોરેશનની ચૂંટણીમાં જંગમાં ઉતર્યા છે.

( Source – Divyabhaskar )