ઊંઝા / મા ઉમાના ચરણોમાં 3 કલાકમાં 7.48 કરોડની દાનવર્ષા, સૌથી ઊંચી રૂ.4.25 કરોડની ઉછામણી બોલી

ઊંઝા / મા ઉમાના ચરણોમાં 3 કલાકમાં 7.48 કરોડની દાનવર્ષા, સૌથી ઊંચી રૂ.4.25 કરોડની ઉછામણી બોલી

પટેલ ભઇ અમેરિકા જાય, ડોલર કમાય…ની ધૂન પર શ્રેષ્ઠીઓ નાચ્યા

ઊંઝામાં સૌપ્રથમવાર યોજાનારા લક્ષચંડી મહાયજ્ઞની ઉછામણીમાં પાટીદારોની દાનની સરવાણીવરમોરા ગ્રુપના ગોવિંદભાઈ પટેલે યજ્ઞના મુખ્ય યજમાનનો લાભ લીધો 

ઊંઝાઃ વિશ્વભરમાં પથરાયેલા કડવા પાટીદારોનાં કુળદેવી ઉમિયા માતાજીના ધામ ઊંઝામાં આગામી 18થી 22 ડિસેમ્બરના રોજ વિશ્વ કલ્યાણ અર્થે ગુજરાતની ધરતી ઉપર સૌપ્રથમવાર લક્ષચંડી મહાયજ્ઞ યોજાનાર છે. રવિવારે આ મહાયજ્ઞના મુખ્ય યજમાન સહિતની યોજાયેલી 22 જેટલી ઉછામણીમાં પાટીદારોએ મા અંબાના ચરણોમાં ખુલ્લા મને દાનવર્ષા કરી હતી. મુખ્ય યજમાન માટે સૌથી ઊંચી રૂ.4.25 કરોડની ઉછામણી બોલી વરમોરા ગ્રુપના ગોવિંદભાઈ ગણેશભાઇ પટેલે લાભ લીધો હતો. વરસાદના કારણે 14 જેટલી ઉછામણી થઇ શકી હતી, જેમાં કુલ રૂ.7.48 કરોડની ઉછામણી બોલી મા ઉમાના ભક્તોએ રંગ રાખ્યો હતો. ઉછામણીની શરૂઆતથી જ જેમ જેમ દાનની વર્ષા થતી રહી તેમ તેમ મંડપમાં ઉપસ્થિત સાતથી આઠ હજાર માઇભક્તોના જયજયકારથી માહોલ ભક્તિમય બની રહ્યો હતો.

ઊંઝાના ઉમિયા બાગમાં ભવ્ય ઉછામણી યોજાઇ
18મી શતાબ્દી રજત જયંતી મહોત્સવ 2009ને દસ વર્ષ પૂર્ણ થતા હોઇ ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા ગુજરાતમાં ન થયો હોય તેવો પ્રથમ વખત 108 યજ્ઞકુંડ તેમજ 1100 દૈનિક પાટલાના યજમાનો સાથે દિવ્ય શ્રી ઉમિયા માતાજી લક્ષચંડી મહાયજ્ઞનું આયોજન 18થી 22 ડિસેમ્બરે કરાયું છે. જેના ઉપલક્ષમાં રવિવારે બપોરે ઊંઝાના ઉમિયા બાગમાં ભવ્ય ઉછામણી યોજાઇ હતી. જેમાં દાતાઓ અને સમાજ શ્રેષ્ઠીઓએ દાનવર્ષા કરી 2009માં યોજાયેલા 18મી શતાબ્દી ધર્મોત્સવનો રૂ.4.50 કરોડનો રેકોર્ડ તોડી રૂ.7.48 કરોડની બોલી બોલ્યા હતા. ઉછામણી ત્રણ કલાક ચાલી હતી. જોકે, વરસાદના કારણે 8 બોલી રોકવી પડી હતી.

વિજયસ્તંભની ઉછામણીની શરૂઆત રૂ.6,66,666 થઈ હતી
ઉછાવણીનો પ્રારંભ ગણપતિ દાદાની સ્તુતિ, 11 ભૂદેવોના મંત્રોચ્ચાર અને દિવ્ય શંખનાદ સાથે બપોરે 3:30 કલાકે થયો હતો. જેમાં સૌપ્રથમ યજ્ઞશાળા વિજયસ્તંભની ઉછામણીની શરૂઆત રૂ.6,66,666 થઈ હતી, જેનો લાભ 25મી હરોળમાં બેઠેલા ઊંઝાના પટેલ કાશીરામ પ્રભુદાસ પટેલે રૂ.33,33,333એ લીધો હતો. જ્યારે મહોત્સવના મુખ્ય યજમાન ચતુર્થ કુંડની ઉછામણીની બોલી રૂ.1,51, 151થી શરૂ થઈ હતી, જે ગોવિંદભાઈ વરમોરા (સનહાર્ટ ટાઇલ્સ) પરિવારે રૂ.4,25,55,501માં લાભ લીધો હતો. બ્રાહ્મણ યજમાનની ઉછામણીની શરૂઆત રૂ.11,11,111 થઈ હતી, જે રૂ.25,55,555માં ખોરજ જય સોમનાથ પરિવારના બાબુભાઇ પટેલે લાભ લીધો હતો. બીજા કુંડનો લાભ રૂ.1,11,11,1111માં જે મેપ રિફોઇલ્સ ઓઇલ અમદાવાદવાળા મેહુલભાઈ અરવિંદભાઈ પટેલ પરિવારે લીધો હતો.

સાડા સાતથી આઠ હજાર લોકો હાજર રહ્યા
સમાજના ભામાશા બાબુભાઇ જમનાદાસ પટેલના અધ્યક્ષ સ્થાને યોજાયેલા કાર્યક્રમમાં ઊંઝા સંસ્થાનના પ્રમુખ મણિભાઇ મમ્મી, ઉપપ્રમુખ પ્રહલાદભાઈ કામેશ્વર, મંત્રી દિલીપભાઇ નેતાજી, મહોત્સવના ચેરમેન અરવિંદભાઇ મેપ, પ્રોજેક્ટ ચેરમેન મહેન્દ્રભાઇ પટેલ (આઈએએસ), ઊંઝાનાં ધારાસભ્ય આશાબેન પટેલ, સમાજશ્રેષ્ઠી જયરામ બાપા, ગટોર બાપા સહિત ગુજરાત, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને મુંબઈથી સાડા સાતથી આઠ હજાર લોકો હાજર રહ્યા હતા.

ગુજરાતભરમાંથી હાજર રહ્યા
ઉછામણીમાં ભાગ લેવા ગુજરાત ઉપરાંત મધ્યપ્રદેશ, રાજસ્થાન, મુંબઈથી પણ માના ભકતો આવ્યા હતા. ખીચોખીચ ભરેલા મંડપમાં હાજર લોકો ઉછાવણીમાં ભાગ લઇ શકે તે માટે 30થી વધુ બ્લોકમાં વિભાજન કરી માઇક્રોફોન અને ઝંડી સાથે એક વ્યક્તિને ઉભી રખાઇ હતી, જે બોલી સ્ટેજ સુધી પહોંચાડતા હતા. ગોવિંદભાઇ વરમોરાએ મુખ્ય યજમાનનો લાભ લેતાં તેમને ખભે ઊંચકી સંસ્થાનના પ્રમુખ સહિતના હોદ્દેદારો, સમાજશ્રેષ્ઠીઓ સહિત મંડપમાં હાજર ભક્તો પટેલ ભઇ અમેરિકા જાય, ડોલર કમાય…ની ધૂન પર નાચી ખુશી વ્યક્ત કરી હતી.

પાટીદારો વિશ્વની શ્રેષ્ઠ પ્રજાની ઓળખ બનશે : મણિભાઇ
ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના ચેરમેન મણિભાઇ મમ્મીએ જણાવ્યું કે, આ મહોત્સવથી સમાજમાં ભાવાત્મક એકતા ઊભી થશે. જેના થકી પાટીદારો વિશ્વની શ્રેષ્ઠ પ્રજા તરીકે ઓળખ પામશે. તેમણે ઉમેર્યું કે, આ ઉત્સવ યુવાપેઢીને ધર્મ સાથે જોડવાનો પ્રયાસ છે.

રૂ.200 કરોડમાં સોલા કેમ્પસ, અંબાજીમાં ઉમાભવન બનશે
ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા આગામી સમયમાં રૂ.200 કરોડના ખર્ચે અમદાવાદ સોલા કેમ્પસમાં ગર્લ્સ અને બોયસ હોસ્ટેલ, ગેસ્ટ હાઉસ, ભોજનશાળા વગેરે તેમજ શક્તિપીઠ અંબાજીમાં ઉમાભવન બનાવવાની જાહેરાત ઊંઝા સંસ્થાનના ઉપપ્રમુખ પ્રહલાદભાઇ કામેશ્વરે કરી હતી.

લક્ષચંદી મહાયજ્ઞમાં 50થી 60 લાખ માઇભક્તો પધારશે
18મી શતાબ્દી રજત જયંતી મહોત્સવને ચાલુ વર્ષે 10 વર્ષ પૂર્ણ થતાં હોઇ સામાજિક, શૈક્ષણિક, આરોગ્ય તથા કલ્યાણકારી યોજનાઓ પૂર્ણ કરવાના અાશયથી યોજાયેલા લક્ષચંડી મહાયજ્ઞમાં 50થી 60 લાખ ભક્તો પધારી માના આશીર્વાદ મેળવશે તેમ મંત્રી દિલીપભાઇ નેતાજીએ કહ્યું.

ન ભૂતો ન ભવિષ્યતિ જેવા મહોત્સવ હશે : મહેન્દ્ર પટેલ
પ્રોજેક્ટ ચેરમેન એમ.એસ. પટેલ (આઇએએસ)એ જણાવ્યું કે,2009માં 18મી શતાબ્દી મહોત્સવ દાતાઓ સમાજ શ્રેષ્ઠીઓની દિલેરી અને સ્વયંસેવકોની મહેનતથી ઐતિહાસિક સફળ થયો હતો. આ વખતે પણ આ મહોત્સવ “ન ભૂતો ન ભવિષ્યતિ’ની જેમ સફળતા પામશે તેવી શ્રદ્ધા છે.

લક્ષચંડી મહાયજ્ઞ ગિનિસ બુક રેકોર્ડમાં નોંધાય તેવો ભવ્ય હશે
મહોત્સવ કમિટીના ચેરમેન અરવિંદભાઇ પટેલ (મેપ)એ જણાવ્યું કે, માના લક્ષચંડી મહાયજ્ઞનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે, આજથી બરાબર 99 દિવસ પછી 18 ડિસેમ્બરે મહોત્સવની શરૂઆત થશે, આ મહોત્સવ ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નામ પામે તેવો ભવ્ય હશે.

ઉછામણીનું વિશ્વભરમાં યૂ ટ્યુબ, ફેસબુક પર લાઈવ પ્રસારણ કરાયું
માના ભક્તો એવા પાટીદારો વિશ્વભરમાં પથરાયેલા હોઇ તેઓ આ ઉછામણીમાં ભાગ લઇ શકે તે માટે સંસ્થા દ્વારા youtube, face book અને ઉમિયા માતાજી સંસ્થાનની વેબસાઈટ ઉપર લાઈવ પ્રસારણ કરાયું હતું.જ્યારે ઓનલાઈન પેમેન્ટ ગેટવેનું લોન્ચિંગ પ્રમુખના હસ્તે કરાયું છે.

લક્ષચંડી મહાયજ્ઞની ઐતિહાસિક ઉછામણી

ઉછામણીઉછામણી કરનાર
4,25,55,501ગોવિંદભાઇ ગણેશભાઇ વરમોરા મોરબી યજ્ઞના મુખ્ય યજમાન
1,11,11,111પટેલ મેહુલ અરવિંદભાઇ(MAP) અમદાવાદ બીજા કુંડના યજમાન
33,33,333પટેલ કાશીરામભાઇ પ્રભુદાસ ઊંઝા યજ્ઞશાળા વિજયસ્તંભ યજમાન
25,55,555પટેલ બાબુભાઇ કચરાભાઇ(JSIW) ખોરજ બ્રાહ્મણ યજમાન
25,55,555પટેલ અમરતભાઇ બબલદાસ અમદાવાદ ત્રીજા કુંડના યજમાન
21,21,121પટેલ પ્રહલાદભાઇ અંબાલાલ (કામેશ્વર) ચોથા કુંડના યજમાન
16,66,666પટેલ જોઇતીબેન મોહનલાલ ઊંઝા પાંચમા કુંડના યજમાન
15,55,555હંસરાજ દેવજી ધોળુ (પ્રમુખ,વાંઢાય મંદિર) છઠ્ઠા કુંડના યજમાન
14,44,444પટેલ અમથાભાઇ નારાયણદાસ (પાર્થ) સાતમા કુંડના યજમાન
14,44,444સન સિલિયમ ઇન્ડસ્ટ્રીઝ, ઊંઝા (વિષ્ણુભાઇ) નવમા કુંડના યજમાન
12,22,222ગં.સ્વ.જીવીબેન શંકરદાસ (દેવસ્ય ગૃપ) અમદાવાદ મુખ્ય મંદિરની ધજા
11,11,111સ્વ.પ્રવિણભાઇ મગનલાલ (ધરતીગૃપ) આઠમા કુંડના યજમાન
11,11,111પટેલ બાબુભાઇ જમનાદાસ અમદાવાદ યજ્ઞશાળા ભૂમિપૂજન
11,11,111પટેલ ડાહ્યાભાઇ હરજીવનદાસ દેવગઢ પાઠશાળા વિજયસ્તંભ