અસમ NRC: મા ભારતીય, દીકરીઓ વિદેશી! 20 વર્ષ સેનામાં નોકરી કરવા છતા ગણાયા વિદેશી

અસમ NRC: મા ભારતીય, દીકરીઓ વિદેશી! 20 વર્ષ સેનામાં નોકરી કરવા છતા ગણાયા વિદેશી

ગૃહ મંત્રાલયે અસમમાં રાષ્ટ્રિય નાગરિકતા રજિસ્ટર એટલે કે એનઆરસીનું ફાઇનલ લિસ્ટ જાહેર કરી દીધું છે. આ લિસ્ટમાં 3 કરોડ 11 લાખ 21 હજાર 600 લોકોને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે 19 લાખ લોકો આ યાદીમાં સામેલ નથી થયા, તેમણે ખુદને ભારતીય સાબિત કરવા માટે કાયદાકીય પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડશે. આ લિસ્ટમાં બહાર થયેલા ઘણા લોકો એવા છે જેમણે ભારતીય સેનામાં રહીને 20 વર્ષ સુધી દેશની સેવા કરી છે અને હવે રિટાયર થઇ ચુક્યા છે.

આ રીતે એક પરિવારનાં કેટલાક લોકોનું નામ લિસ્ટમાં છે, જ્યારે કેટલાક સભ્યોનું નામ લિસ્ટમાં નથી. આવી જ એક મહિલાનાં જણાવ્યા પ્રમાણે તેમનું નામ લિસ્ટમાં છે, જ્યારે તેમની 2 દીકરીઓનું નામ લિસ્ટમાં નથી. પીડિત મહિલાએ પોતાની દીકરીઓનાં નામ સામેલ ના કરવામાં આવવા પર પ્રશ્ન ઉઠાવ્યો છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં કહ્યું કે, “એવું કઇ રીતે થઇ શકે કે હું ભારતીય છું અને મારી દીકરી બાંગ્લાદેશી?”

મહિલાએ સરકારને અપીલ કરી છે કે લિસ્ટનું એકવાર ફરી સંશોધન કરવામાં આવે જેનાથી તેમની દીકરીઓનું નામ લિસ્ટમાં સામેલ થઇ શકે. મહિલાને શંકા છે દીકરીઓનું નામ સામેલ ના થવાના કારણે આસપાસનાં લોકો કોઈક રીતે તેમને બાંગ્લાદેશી જાહેર કરી દેશે. અસમનાં કેરીમગંજનાં રહેવાસી રિટાયર્ડ હવલદાર બિમલ ચૌધરીએ જણાવ્યું કે તેઓ 20 વર્ષ સુધી ભારતીય સેનામાં નોકરી કરી ચુક્યા છે, પરંતુ તેમનું નામ એનઆરસીની અંતિમ યાદીમાં નથી. બિમલ 1981થી 1999 સુધી ભારતીય સેનામાં નોકરી કર્યા બાદ અત્યારે અસમ પોલીસમાં કાર્યરત છે, પરંતુ લિસ્ટમાં નામ ના હોવાના કારણે તેઓ ભારતીય નાગરિક નથી. આ કારણે તેઓ શોકમાં છે.

જણાવી દઇએ કે જે લોકોનું નામ એનઆરસીની ફાઇનલ યાદીમાં નથી તેમની પાસે હજુ 120 દિવસનો સમય છે. તેમણે ફોરેનર્સ ટ્રિબ્યુનલમાં આવેદન આપવાનું રહેશે. આ ઉપરાંત લિસ્ટમાંથી બહાર થયેલા લોકો સુપ્રીમ કૉર્ટ, હાઈકૉર્ટમાં પણ અપીલ કરી શકે છે. તમામ કાયદાકીય વિકલ્પ અજમાવ્યા સુધી સરકાર તેમના પર કોઈ કાર્યવાહી નહીં કરે. ફૉરેનર્સ ટ્રિબ્યુનલમાં અપીલ દાખલ કરવાની અંતિમ તારીખ 21 ડિસેમ્બર 2019 છે.