અમેરિકા જવા ઇચ્છુક અમદાવાદનાં વિદ્યાર્થી સાથે બંટી-બબલીની જોડીએ 10 લાખની છેતરપિંડી કરી

અમેરિકા જવા ઇચ્છુક અમદાવાદનાં વિદ્યાર્થી સાથે બંટી-બબલીની જોડીએ 10 લાખની છેતરપિંડી કરી

વિઝા આપવાના બહાને બંટી-બબલીની જોડીએ 10 લાખની ઠગાઈ આચરી છે. નરોડામાં રહેતા નીલેશ પટેલે નરોડા પોલીસ સ્ટેશનમાં દીક્ષિત મેનત અને માનસી યશવંતરાવ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.. નીલેશ હાલમાં એક ખાનગી કંપનીમાં એંજિન‌િયર તરીકે ફરજ બજાવે છે. નીલેશનો મિત્ર યશદીપ બુંદેલા નોર્થ અમેરિકા સ્ટુડન્ટ વિઝા પર ગયો હતો અને નીલેશને પણ અમેરિકા જવું હતું. જેથી યશદીપના પિતા રાજેશભાઈએ મુંબઈના દીક્ષિત મેનત અને માનસી યશવંતરાવ સાથે સંપર્ક કરાવ્યો હતો. જેથી નીલેશે દીક્ષિત સાથે વાત કરી હતી. દીક્ષિતે ફોન પર નીલેશને કહ્યું હતું કે, અમે ફોકસ ઈન્ટરનેશલ નામથી પાસપોર્ટ, સ્ટુડન્ટ વિઝા વગેરેનું કામકાજ કરીએ છીએ અને નીલેશને નોર્થ અમેરિકાની સેન્ટ ટેરેસા યુનિવર્સિટીમાં એમબીએના અભ્યાસ માટે વિઝા કરી આપવાનો વિશ્વાસ આપ્યો હતો.

દીક્ષિતે નીલેશને કહ્યું કે, ત્યાં અભ્યાસની ફી તથા રહેવાનો ખર્ચ 14.50 લાખ રૂપિયા થશે. આમ કહેતાં નીલેશ ખર્ચ કરવા તૈયાર થઇ ગયો હતો. તે પછી નક્કી થયા મુજબ નીલેશે તેના તમામ ડોક્યૂમેન્ટ તેમજ ટુકડે-ટુકડે 14.50 લાખ રૂપિયા દીક્ષિતને આપી દીધા હતા. ત્યારબાદ થોડા દિવસ પછી દીક્ષિત અને માનસી નીલેશના વોટ્સઅપમાં ખોટી-ખોટી રિસીપ્ટ મોકલીને ભરોસો આપતો રહ્યો હતો કે, વિઝા મળી જશે. પરંતુ ખુબ ડ સમય થઇ જવા છતા નીલેશને દીક્ષિત કે માનસી વિઝાની વ્યવસ્થા કરી આપતાં ન હતાં અને ખોટા ખોટા વાયદા કરતાં હતાં, જેથી નીલેશે પૈસા પરત માગતાં બંને આજકાલ-આજકાલ કરતાં હતાં. નીલેશે દીક્ષિતને ફરિયાદ કરવાની ધમકી આપતાં ટૂકડે-ટૂકડે 4.50 લાખ રૂપિયા પરત આપ્યા હતા. જોકે બાકી દસ લાખ રૂપિયા પરત આપ્યા ન હતા.

ઓગસ્ટ-2019થી આજ દિન સુધી દીક્ષિત અને માનસીએ વિઝા અપાવાના બહાને નીલેશ પાસેથી પૈસા પડાવી લીધા પરંતુ વિઝા કે પૈસા પરત ન આપતાં તેણે નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે બંટી-બબલીની વધુ તપાસ હાથ ધરી છે.

( Source – Sandesh )