અંતે ચિદમ્બરમ જેલ ભેગા : 19 સપ્ટે. સુધી તિહારમાં

અંતે ચિદમ્બરમ જેલ ભેગા : 19 સપ્ટે. સુધી તિહારમાં

આઇએનએેક્સ મીડિયા કેસમાં દિલ્હીની સીબીઆઇ કોર્ટનો ચુકાદો

આર્થિક અપરાધ સાથે સંકળાયેલા લોકોને સાત નંબરની જેલમાં રખાતા હોવાથી ચિદમ્બરમને પણ ત્યાં જ રખાશે

અગાઉ સુપ્રીમ કોર્ટે ચિદમ્બરમના આગોતરા જામીન ફગાવ્યા હતા

જેલમાં અલગ સેલ, વેસ્ટર્ન ટોયલેટ, પુસ્તકો, ટીવી, દવા, ચશ્મા સહિતની સુવિધાઓ આપવામાં આવશે

મને ફક્ત દેશના અર્થતંત્રની ચિંતા સતાવી રહી છે : જેલ જતા પહેલા ચિદમ્બરમનું નિવેદન 

નવી દિલ્હી, તા. 5 સપ્ટેમ્બર, 2019, ગુરૂવાર

દિલ્હીની સીબીઆઇ કોર્ટે પૂર્વ નાણા પ્રધાન અને કોંગ્રેસના વરિષ્ઠ નેતા પી ચિદમ્બરમને 19 સપ્ટેમ્બર સુધી તિહાર જેલમાં મોકલી દીધા છે. આગામી 14 દિવસ તેમને તિહાર જેલમાં જ રાખવામાં આવશે.

સીબીઆઇએ પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવાની અપીલ કરી હતી. પી  ચિદમ્બરમના વકીલ કપિલ સિબલે તેમનો વિરોધ કર્યો હતો. 

સૂત્રોના જણાવ્યા અનુસાર સાત નંબરની જેલમાં રાખવામાં આવે તેવી શક્યતા છે. આ જેલમાં આર્થિક અપરાધ સાથે સંકળાયેલા લોકોને રાખવામાં આવે છે. ચિદમ્બરમના પુત્ર કાર્તિને પણ આ જ જેલમાં રાખવામાં આવ્યા હતાં. 

કોર્ટમાં સુનાવણી દરમિયાન જ્યુડિશિયલ કસ્ટડીનો વિરોધ કરતા કપિલ સિબલે જણાવ્યું હતું કે ચિદમ્બરમ પર આજ દિન સુધી પુરાવા સાથે ચેડા કરવાનો કોઇ આરોપ નથી. આવી પરિસ્થિતિમાં આરોપીને જામીન આપી શકાય તેમ છે. જો કે સોલિસિટર જનરલે તેનો વિરોધ કર્યો હતો. 

આ અગાઉ આઇએનએેક્સ મીડિયા કેસમાં પૂર્વ નાણા પ્રધાન પી ચિદમ્બરમને મોટો આંચકો આપ્યો છે. ઇડીએ દાખલ કરેલા કેસમાં સુપ્રીમ કોર્ટે પી ચિદમ્બરમને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરી દીધો છે.

સુપ્રીમે જણાવ્યું છે કે આઇએનએેક્સ મીડિયા મની લોન્ડરિંગ કેસમાં પી ચિદમ્બરમને રાહત આપવામાં આવશે તો તે તપાસને પ્રભાવિત કરી શકે છે. આ કેસની તપાસ માટે ઇડીને પૂરતી સ્વતંત્રતા આપવાની જરૂર છે. 

સુપ્રીમ કોર્ટે આ ચુકાદો ચિદમ્બરમને આગોતરા જામીન આપવાનો ઇનકાર કરતા દિલ્હી હાઇકોર્ટના 20 ઓગસ્ટના ચુકાદાને પડકારતી ચિદમ્બરમની અરજીની સુનાવણી દરમિયાન આપ્યો છે.સુપ્રીમ કોર્ટે જણાવ્યું હતું કે આર્થિક બાબતોના અપરાધો દેશના અર્થતંત્ર સાથે સંકળાયેલા હોવાથી તેમાં કોઇ પણ પ્રકારની રાહત આપી શકાય તેમ નથી. 

ઇડીએ દાખલ કરેલા મની લોન્ડરિંગના કેસમાં સુપ્રીમ કોર્ટના આ ચુકાદાને ધ્યાનમાં રાખીને ચિદમ્બરમે સીબીઆઇએ દાખલ કરેલા આઇએનએક્સ મીડિયા કેસમાં બિન જામીનપાત્ર વોરન્ટ અને ટ્રાયલ કોર્ટના રિમાન્ડના આદેશ સામે અલગથી દાખલ કરેલી અરજી પણ પાછી ખેંચી લીધી હતી. 

ઉલ્લેખનીય છે કે ચિદમ્બરમને પાંચ સપ્ટેમ્બર સુધી સીબીઆઇની કસ્ટડીમાં મોકલવામાં  આવ્યા હતાં. સીબીઆઇ કસ્ટડીની મુદ્દત આજે પૂરી થતી હોવાથી આજે તેમને ફરીથી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતાં.

જેલ જતા પહેલા ચિદમ્બરમે જણાવ્યું હતું કે મને ફક્ત દેશના અર્થતંત્રની ચિંતા સતાવી રહી છે. ચિદમ્બરમને હાલમાં ઝેડ સુરક્ષા મળતી હોવાથી કોર્ટે તેમને અલગ રૂમમાં રાખવાનો આદેશ આપ્યો છે. આ ઉપરાંત કાર્ટે ચિદમ્બરમને વેસ્ટર્ન ટોયલેટ, ટીવી, પુસ્તકો, ચશ્મા અને દવાઓ સહિતની સુવિધાઓ આપવાની માગ સ્વીકારી લીધી છે.