આ ચૂંટણીઓ દુનિયાનું ભવિષ્ય નક્કી કરશે:બાઇડન, સુનક, મેક્રોનનું શું થશે?, ઈરાનમાં કટ્ટરવાદી નહીં, ઉદારવાદી નેતા મજબૂત, અમેરિકાના પરિણામની ભારતમાં શું અસર - Divya Bhaskar
આખી દુનિયામાં લગભગ 70 દેશોમાં વર્ષ 2024માં ચૂંટણી યોજાઈ રહી છે. આ વર્ષને ચૂંટણીનું વર્ષ પણ કહેવામાં આવી રહ્યું છે, ક્યાંક ચૂંટણી યોજાઈ ગઇ છે તો ક્યાંક ચાલી રહી છે. નિષ્ણાતો માને છે કે આ વર્ષ વિશ્વમાં ઘણા ફેરફારો લાવશે, કારણ કે વિશ્વમાં પોતાનો પ્રભાવ ધરાવતા મોટા દેશોમાં પણ આ વર્ષે ચૂંટણી છે અને ત્યાંનો રાજકીય પરિપ્રેક્ષ્ય બદલાઈ રહ્યો છે. મતદાનની દૃષ્ટિએ વિશ્વની સૌથી મોટી ચૂંટણી ગણાતી ભારત અને યુરોપિયન યુનિયનની ચૂંટણી પણ આ વર્ષે યોજાઈ હતી. જ્યાં યુરોપિયન યુનિયનમાં સેન્ટરિસ્ટ પાર્ટીઓના હાથમાંથી સત્તા રાઇટ વિંગ પાર્ટીઓ પાસે આવી, જ્યાં ભારતમાં વડાપ્રધાન મોદી સતત ત્રીજીવાર સત્તામાં આવ્યા.
અમેરિકામાં જો બાઇડન, ફ્રાન્સમાં મેક્રોન તો બ્રિટનમાં સુનક જેવા મોટા નેતાઓના હાથમાંથી સત્તા જશે એવી અટકળો લગાવવામાં આવી રહી છે. જો આ પરિવર્તન થશે તો સમગ્ર વિશ્વના ભવિષ્ય પર તેની અસર જોવા મળશે. તો આ તરફ ઈરાનમાં પણ લોકો હવે કટ્ટરવાદી નેતાઓને છોડીને ઉદારવાદી નેતાઓની તરફ જઈ રહ્યા છે.
સંયુક્ત રાષ્ટ્રમાં વીટો પાવર ધરાવતા દેશો અમેરિકા, બ્રિટન અને ફ્રાંસમાં પણ આ વર્ષે ચૂંટણી યોજાઈ રહી છે. ચૂંટણી પહેલા સામે આવેલા ઓપિનિયન પોલ અને સર્વેથી સ્પષ્ટ છે કે અહીંના રાજકારણમાં બદલાવ આવવાનો છે. આ પરિવર્તન પર બધાની નજર એટલે પણ છે કે આ દેશોનું નેતૃત્વ સમગ્ર વિશ્વમાં વેપાર, યુદ્ધ, ઇમિગ્રેશન, માનવ સહાય વગેરે જેવા મુદ્દાઓને પ્રભાવિત કરે છે. આ દેશોને પડકારનાર ઈરાનમાં પણ ચૂંટણી યોજાઈ રહી છે, અને ત્યાંનું વાતાવરણ પણ બદલાયેલું જોવા મળી રહ્યું છે. ધાર્મિક કટ્ટરતા અને મહિલા વિરોધી કાયદાઓ સામે ઝઝૂમી રહેલી ઈરાનની જનતા પણ આ વર્ષે સરકાર બદલવાના મૂડમાં હોવાનું જણાય છે.
અમેરિકા અને ફ્રાન્સમાં દક્ષિણપંથીઓનું વર્ચસ્વ
2020માં ટ્રમ્પને હરાવીને જો બાઇડને અમેરિકામાં સત્તા સંભાળી હતી. તે સમયે અફઘાનિસ્તાનમાંથી સેનાને પરત બોલાવવી અને કોરોનાકાળમાં ખરાબ વ્યવસ્થાપન મહત્વપૂર્ણ મુદ્દાઓ બની ગયા હતા. ચૂંટણી વર્ષમાં કોરોનાના કારણે મૃત્યુઆંક 2 લાખને પાર પહોંચી ગયો હતો અને લગભગ 90 લાખ લોકો કોરોનાનો શિકાર બન્યા હતા. આ સમયગાળા દરમિયાન નોકરીઓ ગુમાવવી અને મોંઘવારી પણ ટ્રમ્પની હારનું કારણ બની હતી.