વિધાનસભા ડાયરી:નર્મદાની કલ્પના સરદારની હતી, નેહરુની નહીં, કહેતાં જ વિપક્ષ નીતિનભાઈને ઘેરવા ગયો, સાર્જન્ટને કહી દીધું, હું એકલો પહોંચી વળું એમ છું

વિધાનસભા ડાયરી:નર્મદાની કલ્પના સરદારની હતી, નેહરુની નહીં, કહેતાં જ વિપક્ષ નીતિનભાઈને ઘેરવા ગયો, સાર્જન્ટને કહી દીધું, હું એકલો પહોંચી વળું એમ છું

વિધાનસભામાં રખડતા ઢોર નિયંત્રણ વિધેયક પસાર કરાશે, રૂ.5 હજારથી 15 હજારના દંડની જોગવાઈ

ગુજરાત વિધાનસભામાં પ્રશ્નોત્તરી દરમિયાન કલ્પસર યોજના અને નર્મદા યોજના અંગે સત્તાપક્ષ અને વિપક્ષ આક્રમક અંદાજમાં આમને-સામને આવતાં ગૃહનું વાતાવરણ ઉગ્ર બન્યું હતું. છેલ્લી ઘડીએ બંને પક્ષે ચાલેલી શાબ્દિક ધડબડાટીમાં કોંગ્રેસના ધારાસભ્યો આક્રમક બન્યા હતા અને તેમણે નીતિન પટેલ માફી માગે એવી જીદ કરી હતી.

નર્મદા યોજના માટે નેહરુએ મંજૂરી ન આપી તે ન જ આપીઃ નીતિનભાઈ
બીજી તરફ ગૃહનું વાતાવરણ તંગ બનતાં એમાં સુરક્ષાકર્મચારીઓ નીતિન પટેલના રક્ષણ માટે આવ્યા હતા. મને તમારા રક્ષણની જરૂર નથી, હું કૂટી લઉં એમ છું, એમ તેમણે કહ્યું હતું. તેમણે એવું પણ કહ્યું હતું કે કોંગ્રેસ સરદાર પટેલનું અવમૂલ્યન કરે છે. એટલું જ નહીં, નર્મદા યોજના માટે જવાહરલાલ નેહરુએ મંજૂરી ન આપી તે ન જ આપી, આ તો અમારા વડાપ્રધાન નરેન્દ્ર ભાઈએ નર્મદાના દરવાજાની મંજૂરી આપી અને યોજના સાકાર થઈ, એમ કહેતાં વિધાનસભામાં હંગામો થયો હતો.

નર્મદા યોજના આગળ ના વધે એ માટેનું કામ નેહરુએ કર્યું: નીતિનભાઈ
તેમણે આગળ કહ્યું હતું કે નર્મદાની કલ્પના સરદાર પટેલની હતી ,જવાહરલાલ નેહરુની ન હતી. એટલું જ નહીં, નર્મદા યોજના આગળ ના વધે એ માટેનું કામ જવાહરલાલ નેહરુએ કર્યું હતું. નર્મદાની સંપૂર્ણ કલ્પના સાકાર થઈ એની ક્રેડિટ માત્ર સરદાર પટેલને જાય છે, બીજા કોઈને નહીં, એવું નિવેદન પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કરતાં ગૃહમાં જોરદાર હંગામો થયો હતો.

દૂધાત-ધાનાણીએ તેમના સભ્યોને બે હાથ જોડી બેસી જવા અપીલ કરી
આ દરમિયાન કોંગ્રેસના નૌશાદ સોલંકી અને ગ્યાસુદ્દીન શેખે વેલમાં ધસી આવી નીતિન પટેલ સામે આક્રમક વિરોધ વ્યક્ત કર્યો હતો. બંને પક્ષના ધારાસભ્યો જગ્યા પર ઊભા થઈને વિધાનસભામાં જોરદાર હંગામો કરતાં સૌપ્રથમ વખત સાર્જન્ટોની ફોજ વિધાનસભામાં ઊતરી હતી.

તો બીજી તરફ નીતિન પટેલની બેઠક આસપાસ કોંગ્રેસના ધારાસભ્યો ધસી જતાં માફી માગોના નારા લગાવતા હતા. એ દરમિયાન કોંગ્રેસના પ્રતાપ દૂધાત અને પરેશ ધાનાણીએ તેમના સભ્યોને બે હાથ જોડીને પોતાની જગ્યા પર બેસવા અપીલ કરી હતી. નીતિન પટેલ સાથે કંઈક અજુગતું ન બને એ માટે આ બંને ધારાસભ્યો સતર્ક રહ્યા હતા, જોકે ભારે હંગામાની વચ્ચે વિધાનસભા અધ્યક્ષે ગૃહ 15 મિનિટ મુલતવી રાખવાની જાહેરાત કરી હતી.

‘સરદાર પણ કોંગ્રેસના હતા, એટલે એ અમારી જ કલ્પના હતી’
આ દરમિયાન કોંગ્રેસના દંડક ડો. સી.જે. ચાવડાએ ભારે હંગામા વચ્ચે નિવેદન આપ્યું કે સરદાર પટેલ પણ વર્ષો સુધી કોંગ્રેસના હતા, એટલે એ અમારી જ કલ્પના હતી. તમે તમારી જાતને સાથે લાવવાની કોશિશ કરશો નહીં. ગુજરાતી પ્રજા બધું જાણે છે. એવું નિવેદન કરતાં ભાજપ અને કોંગ્રેસના ધારાસભ્યોએ પોતાની જગ્યાએ પર ઊભા થઈને પ્રબળ વિરોધ કર્યો હતો.

રખડતાં ઢોરનું વિધેયક પસાર થશે
રાજ્યભરમાં રખડતાં ઢોરના ત્રાસને લઈ ગુજરાત વિધાનસભામાં આજે રખડતાં ઢોર વિધેયક પસાર કરવામાં આવશે, જેમાં શહેરી વિસ્તારમાં ઢોર રાખવા માટે લાઇસન્સ લેવું અને ઢોર પર ટેગ લગાવવો પણ ફરજિયાત છે. આ વિધેયેકની જોગવાઇ મુજબ, સ્થાનિક સત્તામંડળે લાઇસન્સ ધરાવનારની ઓળખ કરવી જોઈશે અને ઢોર પર લગાડેલા ટેગની ખરાઈ કર્યા પછી લાઇસન્સ ધરાવનારને નોટિસ આપવી પડશે. આ નોટિસનો 7 દિવસમાં જવાબ આપવો પડશે. દાવા માટે પુરાવા પણ રજૂ કરવામાં આવશે. ત્યાર બાદ દંડ ભરીને ઢોરને મુક્ત કરવામાં આવશે.

પહેલીવારના ગુના બદલ રૂ.5 હજારનો, બીજીવારના ગુના બદલ રૂ.10 હજારનો અને ત્રીજીવારના ગુના બદલ રૂ.15 હજારનો દંડ થશે.

આ ઉપરાંત ગુજરાત વિધાનસભા બજેટ સત્રના છેલ્લા દિવસે, એટલે કે આજે ખાનગી યુનિવર્સિટીની મંજૂરી આપતું વિધેયક પસાર કરવામાં આવશે.

ફોજદારી ગુનો દાખલ થશે
પશુપાલકે કાયદો અમલમાં આવ્યાના 90 દિવસમાં લાઈસન્સ મેળવવું પડશે. લાઈસન્સ મળ્યાના 15 દિવસમાં ઢોરને ટેગ લગાવવાનો રહેશે. સ્થાનિક સત્તામંડળ આ માટે લાઈસન્સ-ઇન્સ્પેક્ટર નિયુક્ત કરશે. શહેરી વિસ્તારોમાં ઢોર રાખવાના લાઈસન્સ આપ્યા બાદ એ ઢોરને ટેગ લગાવવો પડશે. આવા ટેગ સાથેના ઢોર પકડાવાના કિસ્સામાં પ્રથમવાર 5 હજાર, બીજી વખત 10 હજાર અને ત્રીજી વખત 15 હજારનો દંડ લેવાની સાથે માલિક સામે ફોજદારી ગુનો પણ દાખલ કરાશે. દંડ વસૂલીને ઢોર માલિકને પરત અપાશે.

રખડતાં ઢોર વિધેયકમાં કરવામાં આવેલી જોગવાઇઓ

Page 01
Page 02
Page 03
Page 04

 

( Source - Divyabhaskar )