રશિયા-યુક્રેન યુદ્ધનો 11મો દિવસ LIVE:અત્યાર સુધી 15 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યું; રશિયામાં પ્રતિબંધોની અસર દેખાવા લાગી- ખાદ્યપદાર્થોનું બ્લેક માર્કેટિંગ શરુ

રશિયા-યુક્રેન યુદ્ધનો 11મો દિવસ LIVE:અત્યાર સુધી 15 લાખથી વધુ લોકોએ યુક્રેન છોડ્યું; રશિયામાં પ્રતિબંધોની અસર દેખાવા લાગી- ખાદ્યપદાર્થોનું બ્લેક માર્કેટિંગ શરુ

 • રશિયાના સૈનિકો કિવમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ તરફ આગળ વધી રહ્યા છે
 • રશિયાની સેનાએ ફરી એકવાર ખાર્કિવને નિશાન બનાવ્યું છે
 • યુક્રેન અને રશિયા વચ્ચેના યુદ્ધનો આજે 11મો દિવસ છે. શનિવારે, રશિયાએ યુક્રેનમાં સામાન્ય લોકોના સ્થળાંતર માટે યુદ્ધવિરામની જાહેરાત કરી હતી, પરંતુ થોડા કલાકો પછી તેને સમાપ્ત કરી દીધી હતી. આ પછી રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને ધમકી આપી છે કે જો યુક્રેન ઝુકશે નહીં તો તેનું નામ પણ મિટાવી દેવામાં આવશે. હવે રશિયાની સેના કિવમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ તરફ આગળ વધી રહી છે.

  રશિયા-યુક્રેન યુદ્ધના કારણે અત્યાર સુધીમાં 1.5 મિલિયન યુક્રેનિયન નાગરિકો દેશ છોડી ચૂક્યા છે. પોલેન્ડમાં સૌથી વધુ 800,000 લોકોએ આશરો લીધો છે. બીજી તરફ પ્રતિબંધોની અસર રશિયા પર પણ દેખાવા લાગી છે. મળતી માહિતી મુજબ, રશિયાના ઘણા શહેરોમાં લોકો જથ્થાબંધ ખાદ્યપદાર્થો ખરીદી રહ્યા હતા, જેના કારણે બ્લેક માર્કેટિંગ શરૂ થઈ ગયું છે. હવે સરકારે રિટેલર્સ માટે મર્યાદા નક્કી કરી છે. વેપાર અને ઉદ્યોગ મંત્રાલયે કહ્યું- લોકો જરૂરિયાત કરતાં વધુ સામાન ખરીદી રહ્યા છે.

  પુતિનની ધમકીના જવાબમાં યુક્રેનના રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ કહ્યું છે કે અમે આઝાદી માટે લડીશું અને કોઈની સામે ઝુકીશું નહીં. આ તરફ અમેરિકાના સંરક્ષણ મંત્રાલય પેન્ટાગોને દાવો કર્યો છે કે રશિયાના લગભગ 1.5 લાખ સૈનિકો કિવને ઘેરી રહ્યા છે અને રશિયા કોઈપણ સમયે આ શહેર પર હુમલો કરી શકે છે.

 • War
 •  

  યુક્રેનમાં ફસાયેલા ભારતીયો તાત્કાલિક સંપર્ક કરે- ભારતીય દૂતાવાસ
  યુક્રેનમાં ફસાયેલા ભારતીયોને પરત લાવવા માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. આ દરમિયાન, ભારતીય દૂતાવાસ તરફથી કહેવામાં આવ્યું છે કે, જે ભારતીય નાગરિકો હજુ પણ યુક્રેનમાં ફસાયેલા હોય, તો તેઓએ તાત્કાલિક ભારતીય દૂતાવાસનો સંપર્ક કરવો જોઈએ. એમ્બેસીએ કહ્યું છે કે ઓનલાઈન ફોર્મ ભરતી વખતે વિદ્યાર્થીઓએ પોતાનો મોબાઈલ નંબર અને લોકેશન શેર કરવું, જેથી કરીને તેઓને શક્ય તેટલી વહેલી તકે બહાર કાઢી શકાય.

  યુક્રેનમાં 6 વિસ્ફોટોને કારણે 16 ગેસ સપ્લાય સ્ટેશન બંધ
  યુક્રેનમાં રશિયાના હુમલાથી ગેસ સંકટ સર્જાયું છે. તમને જણાવી દઈએ કે, હાલના દિવસોમાં ત્યાં ઘણી ઠંડી પડી રહી છે. રશિયા દ્વારા 6 વિસ્ફોટોને કારણે યુક્રેનના ગેસ ટ્રાન્સમિશન સિસ્ટમના 16 ગેસ સપ્લાય સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે. રશિયાના મોટા આક્રમણ બાદ ઓપરેટરે આ નિર્ણય લીધો છે.

 • રશિયાએ ખાર્કિવમાં ફરીથી હવાઈ હુમલો કર્યો
  રશિયાની સેનાએ ફરી એકવાર ખાર્કિવને નિશાન બનાવ્યું છે. રશિયાની સેનાએ ત્યાં હવાઈ હુમલો કર્યો છે. જણાવી દઈએ કે આના કારણે ઘણી ઈમારતોમાં આગ લાગી છે.

  ઝેલેન્સ્કીએ અમેરિકા પાસેથી શસ્ત્રો માંગ્યા
  કિવ ઇન્ડિપેન્ડન્ટ અનુસાર, છેલ્લા 10 દિવસમાં એક લાખથી વધુ યુક્રેનિયન નાગરિકો સૈન્યમાં જોડાયા છે. તમામને પ્રારંભિક તાલીમ આપ્યા બાદ તેમને મોરચા પર તૈનાત કરવામાં આવ્યા છે. રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ અમેરિકાને વધુ હથિયારો આપવા અપીલ કરી છે.

  યુદ્ધના મહત્વના અપડેટ્સ...

  • રશિયાના રક્ષા મંત્રાલયે કહ્યું કે તેણે યુક્રેનમાં 2203 સૈન્ય મથકોને નષ્ટ કરી દીધા છે. જ્યારે આ તરફ યુક્રેન પણ કહી રહ્યું છે કે તેણે રશિયાના 11 હજાર સૈનિકોને ઠાર કર્યા છે.
  • વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશને પુષ્ટિ કરી છે કે યુક્રેનમાં હેલ્થકેર સેન્ટર પર હુમલા થયા છે.
  • યુક્રેનના ગેસ ટ્રાન્સમિશન સિસ્ટમના 16 ગેસ સપ્લાય સ્ટેશન બંધ કરવામાં આવ્યા છે.
  • રશિયાનો દાવો છે કે યુક્રેન ચેર્નોબિલમાં પરમાણુ શસ્ત્રો બનાવી રહ્યું છે.
  • યુક્રેનના સૈન્યએ કહ્યું- રશિયન સૈનિકો કિવથી લગભગ 100 કિલોમીટર દક્ષિણમાં કિવમાં હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર પ્લાન્ટ તરફ કૂચ કરી રહ્યા છે.
  • રાષ્ટ્રપતિ ઝેલેન્સ્કીએ દાવો કર્યો છે કે રશિયાના સૈનિકો ત્રીજા પરમાણુ પ્લાન્ટ તરફ આગળ વધી રહ્યા છે.
  • 10 લાખથી વધુ લોકોએ હવે યુક્રેન છોડી દીધું છે, હજી પણ લાખો લોકો દેશ છોડી જવાની શક્યતા છે: યુએન
  • રશિયા-યુક્રેન યુદ્ધ વચ્ચે, એક રશિયન અધિકારીએ દાવો કર્યો છે કે યુક્રેને પરમાણુ હથિયારોના નિર્માણ સંબંધિત દસ્તાવેજોનો નાશ કર્યો છે.
  • અઝરબૈજાન એરલાઇન્સે રશિયાની તમામ ફ્લાઇટ્સ સ્થગિત કરી દીધી છે. અઝરબૈજાની એરલાઇન બુટા એરવેઝ પણ રશિયાના શહેરોમાં ઉડાન નહીં ભરે.
  • Adobe રશિયામાં તેની સેવાઓ બંધ કરી છે.
  • બુકારેસ્ટથી 210 ભારતીયોને લઈને આઈએએફનું વિમાન હિંડન એરબેઝ પહોંચ્યું.
  • ઓપરેશન ગંગા અંતર્ગત સ્પેશિયલ ફ્લાઈટ યુક્રેનથી 182 ભારતીય નાગરિકોને લઈને રોમાનિયાના બુકારેસ્ટથી મુંબઈ પહોંચી હતી.
  • માસ્ટરકાર્ડ અને વિઝાએ રશિયામાં તેમની તમામ સેવાઓ બંધ કરવાની જાહેરાત કરી છે. યુક્રેને દાવો કર્યો છે કે રશિયામાં અત્યાર સુધીમાં 150થી વધુ કંપનીઓએ પોતાનો બિઝનેસ બંધ કરી દીધો છે.
  • રશિયાએ યુક્રેનના ઈરપિન શહેર પર બોમ્બમારો કર્યો, અનેક ઈમારતોમાં આગ લાગી.
  • યુક્રેનના મેરીઓપોલના મેયરનો દાવો, રશિયન સેનાએ તોપમારો તીવ્ર કર્યો છે.
  • યુક્રેનમાં અત્યાર સુધીમાં 350 થી વધુ નાગરિકોના મૃત્યુની પુષ્ટિ થઈ છે: યુએન
  • IBM એ રશિયન માર્કેટમાંથી પોતાનો બિઝનેસ પાછો ખેંચવાની જાહેરાત કરી છે.
  • યુએસ સેક્રેટરી ઓફ સ્ટેટ એન્ટોની બ્લિંકન પોલેન્ડ સરહદ પર યુક્રેનના વિદેશ પ્રધાન દિમિત્રી કુલેબાને મળ્યા. મીટિંગમાં બ્લિંકને કહ્યું કે અમેરિકા યુક્રેનના લોકોની સાથે છે.
  • યુક્રેને ઇઝરાયલના વડાપ્રધાન નફ્તાલી બેનેટને અપીલ કરી કે તેઓ પુતિનને યુદ્ધ બંધ કરવા કહે. બેનેટ શનિવારે મોસ્કોમાં પુતિનને મળ્યા હતા.
  • યુક્રેને છેલ્લા 24 કલાકમાં રશિયાના 9 ફાઈટર પ્લેન અને હેલિકોપ્ટરને તોડી પાડવાનો દાવો કર્યો છે. જ્યારે ઘણા રશિયન સૈનિકોને યુદ્ધ કેદી બનાવવામાં આવ્યા હોવાનો દાવો પણ કર્યો છે.
  Tank
  •  
  • બ્રિટનના PM જોનસને રશિયાનો સામનો કરવા માટે એક પ્લાન બનાવ્યો
   યુક્રેનની સંસદે દાવો કર્યો છે કે બ્રિટનના PM બોરિસ જોનસને રશિયાનો સામનો કરવા માટે 6 મુદ્દાની યોજના બનાવી છે. મળતી માહિતી મુજબ જોનસન કેનેડા, નેધરલેન્ડ, ચેક રિપબ્લિક, હંગેરી, પોલેન્ડ અને સ્લોવાકિયાના નેતાઓ સાથે આ યોજના અંગે ચર્ચા કરશે.

   રશિયન RIA ન્યૂઝ એજન્સીએ જણાવ્યું હતું કે રશિયાના વિદેશ મંત્રાલયે યુરોપિયન યુનિયન અને નાટો દેશોને યુક્રેનને "શસ્ત્રો મોકલવાનું બંધ કરવા" કહ્યું છે. જેમાં વધુમાં કહેવામાં આવ્યું છે કે મોસ્કો ખાસ કરીને એ વાતથી ચિંતિત છે કે પોર્ટેબલ એન્ટિ-એરિયલ સ્ટિંગર મિસાઇલો આતંકવાદીઓના હાથમાં આવી શકે છે, જે એરલાઇન્સ માટે ખતરો બની શકે છે.

   પુતિને ફરીવાર ધમકી ઉચ્ચારી
   છેલ્લા દસ દિવસથી યુક્રેન પર કબજો મેળવવા માટે ભયાનક હુમલા કરી રહેલી રશિયન સેના અને રશિયાના રાષ્ટ્રપ્રમુખ વ્લાદિમીર પુતિન યુદ્ધ ખતમ કરવાની કોઈ ઈચ્છા ધરાવતા ન હોવાનું પ્રતીત થઈ રહ્યું છે. એવામાં હાલમાં જ પરમાણુ હુમલાની ચીમકી આપી ચૂકેલા પુતિને ફરી એકવાર ધમકીભર્યા સૂરમાં કહ્યું હતું કે પશ્ચિમી દેશો દ્વારા રશિયા પરના પ્રતિબંધો યુદ્ધની ઘોષણા સમાન છે.

   તેમણે આ સાથે એવી પણ ધમકી આપી છે કે જો યુક્રેન પર નો-ફ્લાય ઝોનની કોઈપણ ચેષ્ટા થશે તો એ સમગ્ર વિશ્વ માટે વિનાશકારી પરિણામ લાવનાર સાબિત થશે. ઉલ્લેખનીય છે કે હાલમાં જ યુક્રેનના રાષ્ટ્રપતિ વોલોદિમીર ઝેલેન્સ્કીએ NATO પર આરોપ લગાવ્યો હતો કે યુક્રેન પરના રશિયન હવાઈ હુમલા તેણે યુક્રેનના આકાશને નો-ફ્લાય ઝોન ઘોષિત ન કર્યુ તેને આભારી છે. આ જ વાતના સંદર્ભમાં રશિયન રાષ્ટ્રપ્રમુખે પશ્ચિમી દેશોને ચીમકી આપી હતી.

   યુક્રેન માટે એક દેશ તરીકે બચવું હવે મુશ્કેલઃ પુતિન

  • રશિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધથી સતત ગંભીર સ્થિતિ સર્જાઈ રહી છે. રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની 10મા દિવસે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન તરફથી આ અંગે અનેક નિવેદનો આવી ચુક્યા છે. પુતિને કહ્યું કે યુક્રેનમાં ખાસ સૈન્ય અભિયાન શરૂ કરવાનો નિર્ણય ઘણો મુશ્કેલ હતો. આ સાથે પુતિને એમ પણ કહ્યું છે કે યુક્રેનમાં સૈન્ય અડ્ડાઓનો સફાયો કરવાનું કામ લગભગ પૂરું થઈ ચુક્યું છે. તેમણે કહ્યું કે યુક્રેનના લિડરશીપે એ વાત સમજી લેવી જોઈએ કે જે પણ કરી રહ્યા છે તે આગળ પણ ચાલુ રહેશે તો એક દેશ તરીકે તેને બચવું મુશ્કેલ બની જશે. આ માટે યુક્રેન પોતે જ જવાબદાર હશે.

   ઈઝરાયલના PM નફટાલી ઓચિંતા મોસ્કો પહોંચ્યા
   ઈઝરાયલના વડાપ્રધાન નફ્ટાલી બેનેટ શનિવારે ઓચિંત જ મોસ્કો પહોંચ્યા છે. તેમની સાથે ઈન્ટેલિજન્સ ચીફ તથા અન્ય ઉચ્ચ અધિકારીઓ તેમની સાથે છે. ન્યૂ યોર્ક ટાઈમ્સના જણાવ્યા પ્રમાણે વ્લાદિમીર પુતિન અને બેનેટ વચ્ચે વાતચીત ચાલી રહી છે. યુક્રેનના રાષ્ટ્રપતિ વોલ્દોમિર ઝેલેન્સ્કીએ બેનેટને મધ્યસ્થતા કરવા માટે અપીલ કરી હતી. ઈઝરાયલનું વલણ અત્યાર સુધી તટસ્થ રહ્યું છે. બેનેટ અંગે કહેવામાં આવી રહ્યું છે કે તેઓ પુતિનને સંપૂર્ણ યુદ્ધ વિરામ માટે તૈયાર કરી શકે છે.

   7 માર્ચે ત્રીજા તબક્કાની વાતચીત યોજાશે
   સશસ્ત્ર સૈન્ય સંઘર્ષ વચ્ચે રશિયા અને યુક્રેન સોમવારે ત્રીજા તબક્કાની વાતચીત કરી શકે છે. યુક્રેન તરફથી વાતચીતમાં સામેલ થયેલા ડેવિડ અરખમિયાએ કહ્યું કે યુદ્ધને ખતમ કરવા માટે વાતચીત કરવામાં આવશે. આ સાથે એવી માહિતી પણ મળી છે કે આગામી 7 માર્ચના રોજ રશિયા-યુક્રેન વચ્ચે ત્રીજા તબક્કાની વાતચીત યોજાશે