કેમ ભારત તટસ્થ છે?:જ્યારે PM વાજપેયીએ પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે UNમાં યુક્રેન આડુ ફાટ્યું હતું, તો હવે મદદની આશા કેમ?

કેમ ભારત તટસ્થ છે?:જ્યારે PM વાજપેયીએ પરમાણુ પરીક્ષણ કર્યું ત્યારે UNમાં યુક્રેન આડુ ફાટ્યું હતું, તો હવે મદદની આશા કેમ?

 
 • વડાપ્રધાન મનમોહન સિંહ કે નરેન્દ્ર મોદી, ભારતે હંમેશા રશિયાને સમર્થન આપ્યું છે
 • રશિયા અને યુક્રેન વચ્ચે ચાલતા યુદ્ધ ઉપર સમગ્ર દુનિયાની નજર છે. જે રીતે રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને યુક્રેન સામે યુદ્ધની જાહેરાત કરી દીધી છે ત્યારપછી સમગ્ર દુનિયાના દેશો સામે એક સવાલ ઉભો થયો છે કે, તેઓ કયા દેશના પક્ષમાં છે? આ સવાલ સામે ભારતની સ્થિતિ અત્યારે ધરમ સંકટમાં છે. કારણ કે રશિયા-યુક્રેન મુદ્દે રશિયા અને અમેરિકા પણ સામસામે આવી ગયું છે. હકિકત એવી છે કે, રશિયા-ભારત ખૂબ જુના મિત્રો છે, જ્યારે રાજકિય રીતે અમેરિકા પણ ભારત માટે ખૂબ મહત્વનો દેશ છે. તેથી ભારત બંનેમાંથી કોઈ પણ એક દેશ સાથે સંબંધ બગાડવા માંગતું નથી. અને રહી વાત યુક્રેનની, તો જ્યારે ભારતે પોખરણમાં પરમાણુ પરિક્ષણ કર્યું ત્યારે સંયુક્ત રાષ્ટ્રસંઘ (UN)માં ઘણાં દેશોએ ભારતનો વિરોધ કર્યો હતો અને તેમાં યુક્રેને પણ ભારતનો વિરોધ કર્યો હતો. તેથી યુક્રેને હવે ભારત રશિયાનો વિરોધ કરીને તેમને સમર્થન આપે તેવી અપેક્ષા રાખવી જ ના જોઈએ.

  ભારતનો ખૂલીને વિરોધ કરી ચૂક્યું છે યુક્રેન
  યુક્રેન સોવિયત યુનિયનથી 1991માં અલગ થયું હતું, જ્યારે સોવિયત યુનિયનનું વિસર્જન થયું હતું. એટલે કે યુક્રેનને અલગ દેશ બને અંદાજે 31 વર્ષ જ થયા છે. આ દરમિયાન ભારત અને યુક્રેન વચ્ચે કોઈ ખાસ સંબંધો નહતા. ભારત અને યુક્રેન વચ્ચેના વેપારની વાત કરીએ તો એ પણ ના બરાબર હતો. યુક્રેને કોઈ ખાસ મુદ્દે ભારતની મદદ કરી હોય તેવું પણ નથી. અહીં ખાસ વાત એ છે કે, જ્યારે 1998માં ભારતના વડાપ્રધાન અટલ બિહારી વાજયેયીએ પોખરણમાં પરમાણુ પરિક્ષણ કર્યું ત્યારે દુનિયાના ઘણાં દેશોએ યુએનમાં ભારતની નિંદા કરી હતી. તેમાં યુક્રેન પણ સામેલ હતું.

 • રશિયાએ આપ્યો હતો ભારતને સાથ
  ભારતે જ્યારે પોખરણમાં પરમાણુ પરિક્ષણ કર્યું ત્યારે યુએનમાં આ વિશે ઘણી ચર્ચા થઈ હતી. યુએનમાં રશિયાએ ભારતને સંપૂર્ણ રીતે સાથ આપ્યો હતો. યુએન સિક્યુરિટી કાઉન્સિલમાં ભારતના પક્ષમાં વીટોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે વખતે ફ્રાન્સના પ્રતિનિધિએ ભારત વિરુદ્ધ કડવા શબ્દોનો ઉપયોગ કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, ભારતે કોમ્પ્રીહેન્સીવ ન્યૂક્લિયર ટેસ્ટ બેન ટ્રીટી (CTBT)માં સામેલ થવું જોઈએ. ત્યારે યુક્રેને કહ્યું હતું કે, અમે દુનિયાના ત્રીજા સૌથી મોટા પરમાણુ હથિયારને અમારી પાસેથી રશિયાને આપી દીધું છે. આ સંજોગોમાં ભારત પરમાણુ પરિક્ષણ કરી રહ્યું છે. તેથી અમે ભારતના સમર્થનમાં નથી. ભારતે આંતરરાષ્ટ્રીય પરમાણુ હથિયારો ઓછા કરવાના અભિયાનનું પણ ઉલ્લંઘન કર્યું છે. આ સંજોગોમાં સ્પષ્ટ છે કે, યુક્રેને યુએનમાં ભારતની વધુ નિંદા કરી હતી.

  ક્રીમિયા મુદ્દે પણ ભારતે કરી હતી રશિયાને મદદ
  રશિયા-ભારતે હંમેશા એકબીજાની મદદ કરી છે પછી સ્થિતિ ભલે ગમે તેવી હોય. રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો છે ત્યારે ફરી એ જ સવાલો ઉભા થયા છે કે, કયો દેશ કોની સાથે છે? ભારતને પણ આ સવાલ પૂછવામાં આવે છે. 2014માં પણ આવો જ સવાલ ભારતને પૂછવામાં આવ્યો હતો. પરંતુ ત્યારે પણ ભારતે કોઈની ચિંતા કર્યા વગર રશિયાનો સાથ આપ્યો હતો. વાત ફેબ્રુઆરી0માર્ચ 2014ની છે. ત્યારે રશિયાએ હુમલો કરીને ક્રીમિયાને પોતાનામાં ભેળવી દીધું હતું. ત્યારે યુક્રેન સહિત અમેરિકા, યુરોપિય સંઘ સહિત ઘણાં દેશોએ આ વિલિનીકરણની નિંદા કરી હતી. આને આંતરરાષ્ટ્રીય કાયદા અને યુક્રેનની ક્ષેત્રીય અંખડતાની રક્ષા કરનારી સમજૂતીનું ઉલ્લંઘન માનવામાં આવતું હતું. જેના પર રશિયાએ હસ્તાક્ષર કર્યા હતા.
  તે સમજૂતીમાં 1991ના બેવલેઝા, 1975ના હેલસિંકી, 1994ના બુડાપેસ્ટ મેમોરંડમ અને 1997ના સહયોગ કરાર સામેલ હતા. તેના કારણે તે સમયના G8ના અન્ય સભ્યોએ રશિયાને ગ્રુપમાંથી સસ્પેન્ડ કર્યું હતું. અમેરિકા અને યુરોપિય સંઘે રશિયાની આકરી નિંદા કરી હતી. તેમણે રશિયાને ક્રીમિયાથી અલગ થઈ જવાનું કહ્યું હતું. જોકે એ અલગ વાત છે ત્યારે પણ રશિયા અડગ રહ્યું હતું અને ત્યારે ઘણાં બધા દેશો રશિયાની વિરોધમાં હોવા છતાં ભારતે રશિયાને સમર્થન આપ્યું હતું.

 • ભારતે નહતી કરી દુનિયાની ચિંતા
  જ્યારે દુનિયા રશિયાની વિરોધમાં હતી ત્યારે ભારતનું તેને સમર્થન હતું. ભારત ક્રીમિયાના વિલિનીકરણને માન્યતા આપનાર મુખ્ય દેશ હતો. તેણે યુક્રેનની ક્ષેત્રીય અંખડતાના એક પ્રસ્તાવમાં પોતાને અલગ રાખ્યા હતા. જોકે તે સમયે વડાપ્રધાન મનમોહન સિંહની સરકાર હતી. આંતરરાષ્ટ્રીય દબાણની વચ્ચે રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિને મનમોહન સિંહને ફોન કર્યો હતો. તેમણે ક્રીમિયાની સ્થિતિ વિશે સંપૂર્ણ માહિતી આપી હતી. તેના બીજા જ દિવસે ભારતે એક નિવેદન જાહેર કર્યું હતું. કહ્યું હતું કે, તે તેમના વિશ્વાસુ મિત્ર રશિયા સામે પશ્ચિમી દેશોના પ્રતિબંધોને સમર્થન નહીં આપે. ત્યારપછી નરેન્દ્ર મોદીએ વડાપ્રધાન બન્યા તેમણે આ સંબંધો જાળવી રાખ્યા છે.

  રશિયાએ ઘણી વાર કરી છે ભારતની મદદ
  ભારત અને રશિયાના સંબંધોની વાત કરીએ તો બંને દેશો વચ્ચેના સંબંધો ખૂબ મજબૂત છે. ઘણાં મહત્વના મુદ્દાઓ પર ભારતે રશિયાનો સાથ આપ્યો છે. રશિયાએ કાશ્મીર મુદ્દે અનુચ્છેદ 370માં પણ ભારતને સમર્થન આપ્યું હતું. તે ઉપરાંત ભારતના 70 ટકા હથિયારો રશિયાના છે. તે ઉપરાંત ભારત તેના સ્પેયર પાર્ટ્સ માટે પણ રશિયા પર આધારિત છે. તેથી કોઈ પણ મુદ્દે ભારતનું રશિયાના વિરોધમાં જવું તેને મોંઘુ પડી શકે છે.