યુક્રેન-રશિયા વિવાદ:જો યુદ્ધ થશે તો ગ્લોબલ ઇકોનોમીને થશે અસર, મોંઘવારી-વ્યાજદર વધશે; ભારતની આયાત-નિકાસને પણ જોખમ

યુક્રેન-રશિયા વિવાદ:જો યુદ્ધ થશે તો ગ્લોબલ ઇકોનોમીને થશે અસર, મોંઘવારી-વ્યાજદર વધશે; ભારતની આયાત-નિકાસને પણ જોખમ

રશિયા અને યુક્રેન વચ્ચે વિવાદ વધી રહ્યો છે. રશિયાએ યુક્રેન પર હુમલો કરવાની શરૂઆત પણ કરી દીધી છે. જો હવે આ બંને દેશ વચ્ચે યુદ્ધ થાય અને વિવાદ વધે તો એની ગ્લોબલ માર્કેટ પર પણ ઘણી ખરાબ અસર થઈ શકે છે. કોમોડિટી માર્કેટમાં રશિયાનો ખૂબ મોટો રોલ છે. મોર્ગન સ્ટેનલીનું માનવું છે કે જો રશિયા આક્રમણ કરશે તો દુનિયાના ઘણા દેશોની ઈકોનોમી પર માઠી અસર થઈ શકે છે. ખાસ કરીને કોમોડિટી માર્કેટ પર આ યુદ્ધની વધારે ખરાબ અસર થવાની શક્યતા છે. યુક્રેન-રશિયા યુદ્ધથી ક્રૂડ ઓઈલની કિંમત વધી જશે. યુરોપમાં નેચરલ ગેસ અને ઈલેક્ટ્રિસિટીના રેટ પહેલાં જ 10 ટકા સુધી વધી ગયા છે. બેઝ મેટલની કિંમતમાં પણ વધારો થશે. રશિયા દુનિયામાં સૌથી વધારે ઘઉંની નિકાસ કરે છે. ઈજિપ્ત, તુર્કી અને બાંગ્લાદેશ તેમની જરૂરિયાતના 50 ટકા કરતાં વધારે ઘઉં રશિયાથી આયાત કરે છે, તેથી જો આ યુદ્ધ થશે તો આ દેશોને ઘઉં મળવા પણ મુશ્કેલ થશે.

કોમોડિટી માર્કેટમાં રશિયાનો ખૂબ મોટો રોલ છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં જેપી મોર્ગન તરફથી લખવામાં આવ્યું છે કે ગ્લોબલ પ્રોડક્શનમાં રશિયાના શેરની વાત કરીએ તો પેલેડિયમ પ્રોડક્શનમાં તેની ભાગીદારી 45.6%, પ્લેટિનમની 15.1%, ગોલ્ડમાં 9.2%, સિલ્વરમાં 2.6%, ઓઈલમાં 8.4%, ગેસમાં 6.2%, નિકલમાં 5.3% ઘઉંમાં 5%, એલ્યુમિનિયમમાં 4.2%, કોલસામાં 3.5%, કોપરમાં 3.3% અને સિલ્વરમાં 2.6% છે. આ યુદ્ધની સૌથી ખરાબ અસર ગ્લોબલ ઈકોનોમી પર થઈ રહી છે, જે કોવિડ મહામારીના કારણે પહેલેથી જ ખરાબ છે. ભારતને પણ આ યુદ્ધ સંકટથી અળગું રાખી શકાય તેમ નથી. રશિયા-યુક્રેન યુદ્ધની અસર ભારતની આયાત-નિકાસ પર પણ થઈ શકે છે. તો આવો, જાણીએ રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થશે તો એના પડઘા કેવા પડશે....

ભારતને રાજકીય-આર્થિક બંને રીતે નુકસાન થશે
દિલ્હી યુનિવર્સિટીના પ્રોફેસર અને પોલિટકલ એક્સપર્ટ ડૉ. સુધીર સિંહનું કહેવું છે કે આ વિવાદથી ભારતને અનેક રાજકીય મુશ્કેલીઓ પણ ઊભી થશે. ભારતે અત્યારસુધી એવું જ કહ્યું છે કે આ વિવાદનો વાતચીતથી ઉકેલ લાવવો જોઈએ, પરંતુ જો વિવાદ વધી જાય અને યુદ્ધની સ્થિતિ ઊભી થાય તો ભારતે તેનું કોઈક સ્ટેન્ડ ક્લિયર કરવું પડશે. આ સંજોગોમાં ભારતને અમેરિકા કે રશિયા બંનેમાંથી કોઈ એકનો પક્ષ લેવાનું ભારે પડી શકે છે
ભારત ક્રૂડ ઓઈલ મામલે આયાત પર જ નિર્ભર છે. મોંઘું ક્રૂડ ઓઈલ ભારતનું આયાત બિલ વધારી શકે છે. એને કારણે વિદેશી મુદ્રા ભંડારમાં ઘટાડો આવશે. જે મોંઘવારી મુદ્દે પણ મુશ્કેલી ઊભી કરી શકે છે. એ સિવાય યુક્રેનમાં ઘણા ભારતીય વિદ્યાર્થીઓ મેડિકલનો અભ્યાસ કરી રહ્યા છે. યુદ્ધની સ્થિતિમાં ભારત સામે આ વિદ્યાર્થીઓને ત્યાંથી સુરક્ષિત બહાર કાઢવા પણ એક પડકાર બનશે.

યુક્રેન સાથે ભારતનો સંબંધ
ભારતમાં યુક્રેન એમ્બેસી ઓફ ઈન્ડિયાની વેબસાઈટ પરથી મળેલા આંકડા પ્રમાણે, 2020માં બંને દેશ વચ્ચે 2.69 બિલિયન ડોલરનો વેપાર થયો છે. એમાં ભારતે યુક્રેન પાસેથી 1.97 બિલિયન ડોલરની ખરીદી કરી છે, જ્યારે યુક્રેને ભારત પાસેથી 721.54 મિલિયન ડોલરનો સામાન ખરીદ્યો છે. યુક્રેન ભારતને એડિબલ ઓઈલ (ખાદ્ય તેલ), ખાતર સહિત ન્યૂક્લિયર રિએક્ટર અને બોયલર જેવો જરૂરી સામાન સપ્લાય કરે છે, જ્યારે યુક્રેન ભારત પાસેથી દવાઓ અને ઈલેક્ટ્રિકલ મશીનરી જેવો સામાન ખરીદે છે.
ટ્રેડિંગ ઈકોનોમિક્સના આંકડા પ્રમાણે, વર્ષ 2020માં ભારતે યુક્રેન પાસેથી 1.45 બિલિયન ડોલરનું ખાદ્યતેલ ખરીદ્યું છે. એ ઉપરાંત 210 મિલિનયન ડોલરનું ખાતર અને અંદાજે 103 મિલિયન ડોલરનું ન્યૂક્લિયર રિયેક્ટર અને બોઈલર મગાવ્યું છે. ન્યૂક્લિયર રિયેક્ટર અને બોઈલર મુદ્દે ભારત માટે રશિયા પછી યુક્રેન સૌથી મોટા સપ્લાયરમાંથી એક છે. યુદ્ધ થશે તો આ વસતુઓની અછત સર્જાઈ શકે છે, જેને કારણે ન્યૂક્લિયર એનર્જી પર ભારતનું કામ ધીમું પડી શકે છે.

રશિયા આ રીતે નક્કી કરે છે ભારત-યુક્રેન વેપાર
છેલ્લાં અમુક વર્ષોના ટ્રેન્ડના આધારે ભારત અને યુક્રેનનો વેપાર રશિયા સાથેના સંબંધોના આધાર પર વધ-ઘટ થતો દેખાય છે. વર્ષ 2014માં ક્રિમિયાને કારણે યુક્રેન અને રશિયા વચ્ચે તણાવ વધ્યા પહેલાં બંને દેશો વચ્ચેનો વેપાર 3 બિલિયન ડોલર કરતાં વધારે હતો. તણાવ પછી 2015માં એ માત્ર 1.8 બિલિયન ડોલર થયો હતો. ત્યાર પછી યુક્રેન સાથેના આંતરિક સંબંધોમાં થોડો સુધારો થયો હતો, પરંતુ એ પહેલાંના લેવલ પર તો પહોંચ્યો જ નહોતો. અત્યારે ફરી રશિયા-યુક્રેન વચ્ચેનો તણાવ ચરમસીમાએ છે, તેથી ચોકક્સ એની આયાત-નિકાસ પર અસર થશે.

રશિયા-યુક્રેન યુદ્ધથી ગ્લોબલ માર્કેટ પર કેવી અસર થશે?
ક્રૂડ ઓઈલના ભાવ વધશે

રશિયા-યુક્રેન વચ્ચે વિવાદ વધતા ક્રૂડ ઓઈલના ભાવ વધશે અને એના પરિણામે મોંઘવારીમાં વધારો થઈ શેક છે. મોંઘવારી પહેલેથી જ પહેલાંની સરખામણીએ રેકોર્ડ હાઈ પર છે. અમેરિકામાં મોંઘવારીએ 40 વર્ષનો તો ઈંગ્લેન્ડમાં 30 વર્ષનો રેકોર્ડ તોડ્યો છે. આ સંજોગોમાં મોંઘવારી વધુ વધશે તો રોકાણકારો સુરક્ષિત રોકાણ તરફ આકર્ષિત થશે અને બોન્ડમાં રોકાણ વધી શકે છે. આ ઉપરાંત સોનાની કિંમતમાં પણ વધારો થઈ શકે છે. સોનું અત્યારે પણ 50 હજારની નજીક છે.

વૈશ્વિક ઘઉંની નિકાસમાં રશિયાનું મોટું યોગદાન
વૈશ્વિક ઘઉંના ઉત્પાદન અને નિકાસમાં રશિયાનું સૌથી મોટું યોગદાન. જો બંને દેશોનો વિવાદ વધશે તો બ્લેક સીથી એના સપ્લાય પર અસર જોવા મળશે. એને કારણે ખાદ્ય ફુગાવામાં ઉછાળો આવશે. ઈંધણ ફુગાવો પહેલેથી ઊચાઈ પર છે. અનાજની નિકાસની વાત કરીએ તો રશિયા સિવાય યુક્રેન, કઝાકિસ્તાન અને રોમાનિયા બ્લેક સી પોર્ટની મદદથી દુનિયામાં નિકાસ કરે છે. જો રશિયા-યુક્રેન વચ્ચે યુદ્ધ થશે તો સપ્લાય પર એની અસર થશે અને કિંમત વધી જશે. યુક્રેન દુનિયાનું ત્રીજા ક્રમનું મકાઈનો નિકાસ કરતો દેશ છે. જ્યારે ઘઉનો ચોથો સૌથી મોટો નિકાસ કરતો દેશ છે. ઈન્ટરનેશનલ ગ્રેન કાઉન્સિલના જણાવ્યા પ્રમાણે, રશિયા દુનિયામાં ઘઉંની સૌથી વધુ નિકાસ કરતો દેશ છે.

એનર્જી માર્કેટને થશે ખરાબ અસર
રશિયા-યુક્રેન વિવાદને કારણે માર્કેટ પર ખરાબ અસર થશે. યુરોપ એની 35 ટકા નેચરલ ગેસ માટે સંપૂર્ણ રીતે રશિયા પર આધારિત છે. આ સપ્લાય પાઈપલાઈનની મદદથી થાય છે, જે બેલારુસ, પોલેન્ડ, જર્મની, નોર્ડ સ્ટ્રીમ અને યુક્રેન થઈને પસાર થાય છે. એ સિવાય રશિયા અન્ય પણ ઘણા દેશોમાં ક્રૂડ ઓઈલ સપ્લાય કરે છે. જો વિવાદ વધશે તો તેલ અને ગેસના સપ્લાય પર અસર થશે. એ સાથે જ એની કિંમત પણ વધી જશે. જેપી મોર્ગનનું કહેવું છે કે બંને દેશો વચ્ચેનો વિવાદ વધતાં ક્રૂડ ઓઈલનો ભાવ 150 ડોલર સુધી પહોંચી શકે છે. એને કારણે ગ્લોબલ જીડીપીમાં 0.9 ટકાનો ઘટાડો થશે.

મોંઘવારી વધશે
યુક્રેન-રશિયા વિવાદની અસર મોંઘવારી પર થશે. ત્યાર પછી ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં ઝડપથી વધારો કરશે. સમગ્ર દુનિયાના બ્રોકરેજનું અનુમાન છે કે આ વર્ષે ફેડરલ રિઝર્વ 6-7 વાર વ્યાજદરમાં વધારો કરી શકે છે. એને કારણે રિઝર્વ બેન્ક પર પણ વ્યાજદરમાં વધારો કરવાનું દબાણ છે. જો રિઝર્વ બેન્ક વ્યાજદરમાં વધારો કરશે તો ઈકોનોમી રિવકરીની ઝડપ પર એની અસર થશે.