હિજાબ વિવાદ:હિજાબ પહેરવા પર સરકારની રોક નથી, તે સંસ્થાના નિયમો પર નિર્ભર
- હાઈકોર્ટમાં સુનાવણી દરમિયાન કર્ણાટક સરકારે કહ્યું
-
કર્ણાટક હાઈકોર્ટમાં હિજાબ મુદ્દે ચાલતી સુનાવણીમાં કર્ણાટક સરકારે કહ્યું છે કે, આ નિયમ સંસ્થાના નિયમો પર નિર્ભર છે. ચીફ જસ્ટિસ રીતુરાજ અવસ્થી, જસ્ટિસ જે.એમ. ખાજી અને કે.એમ. દીક્ષિતની બેન્ચ હિજાબ પર રોકના વિરોધમાં ઉડુપીની વિદ્યાર્થિનીઓની અરજીઓની સુનાવણી કરી રહી છે. આ અંગે બેન્ચે કહ્યું કે અમે આ સપ્તાહે સુનાવણી પૂરી કરવા ઈચ્છીએ છીએ. આ દરમિયાન લઘુમતી શિક્ષણ સંસ્થાઓના ફેડરેશનની અરજી પર એડવોકેટ જનરલે કહ્યું કે રાજ્ય સરકાર નોન-ગવર્નમેન્ટ ફન્ડેડ સંસ્થાઓના નિયમોમાં હસ્તક્ષેપ નથી કરતી.
કર્ણાટક સરકાર વતી રજૂઆત કરતા વકીલે કહ્યું કે, હિજાબ પહેરવાનો અધિકાર બંધારણના 19(1) (એ) હેઠળ અપાયેલો છે. કોઈ હિજાબ પહેરવા ઈચ્છે છે તો સંસ્થાના નિયમો હેઠળ કોઈ રોક નથી. હાલનો મામલો શિક્ષણ સંસ્થાઓમાં હિજાબ પર રોકને લગતો છે, બહાર હિજાબ પહેરવા સાથે તેને લેવાદેવા નહીં. હિજાબ ફરજિયાત ધાર્મિક પરંપરા જાહેર કરવાની માંગના પરિણામ સારા નહીં હોય. તેના કારણે ફરજિયાતપણું થઈ જશે. એવું નહીં કરનારાની સમાજમાંથી પણ હકાલપટ્ટી કરાશે. અનુચ્છેદ 19 (1)(એ)માં અભિવ્યક્તિની આઝાદીની વાત છે, જેની સાથે શરતો જોડાયેલી છે. અનુચ્છેદ 25 ધર્મમાં માનવાની અને તેના પ્રચારની સ્વતંત્રતા આપે છે.
હિજાબ ધાર્મિક પરંપરા છે કે સાંસ્કૃતિક?
આ અરજીઓ કરનારામાં સામેલ કેટલાક પ્રોફેસરો તરફથી હાજર વકીલ એસ. એસ. નાગાનંદે હાઈકોર્ટમાં સવાલ ઉઠાવ્યો હતો કે, હિજાબ ધાર્મિક પરંપરા છે કે સાંસ્કૃતિક? ફરજિયાત ધાર્મિક પરંપરા અને ધર્મ માટે ફરજિયાત સાંસ્કૃતિક પરંપરા જુદી જુદી છે. ઈસ્લામમાં પાંચ વાર નમાજની વાત કરાઈ છે. હું તેનું સન્માન કરું છું, પરંતુ હું સ્કૂટર પર જઉં છું અને સામે મસ્જિદ છે, ત્યાં અજાન ચાલી રહી છે, તો શું રસ્તામાં નમાજ પઢવી જોઈએ? પોલીસ રોકે તો શું હું તેને કહી શકું કે, તમે મને ધર્મનું પાલન કરતા રોકો છો. તમારું ધર્મપાલન બીજાના રસ્તામાં આવતું હોય, તો શું કરવાનું?બજરંગદળના કાર્યકરની હત્યામાં 6ની ધરપકડ
બજરંગદળ કાર્યકર હર્ષાની હત્યાના આરોપમાં પોલીસ છ લોકોની ધરપકડ કરી છે. આ હત્યાના વિરોધમાં કર્ણાટકના તુંગાનગરમાં મંગળવારે સવારે આગચંપી અને હિંસાની ઘટના થઈ. હર્ષાની હત્યા રવિવારે થઈ હતી. આ ઘટનાને સાત લોકોએ અંજામ આપ્યો હોવાની પોલીસને શંકા છે.