છેતરપિંડી : અમદાવાદમાં ન્યુ રાણીપના આધેડને અમેરિકા મોકલવાનું કહી ભેજાબાજે બેંક એકાઉન્ટ ખોલાવ્યા, વેટની 3.93 કરોડની નોટિસ આવી
- કાકા-ભત્રીજાએ સાંઇ એન્ટરપ્રાઇઝ નામે વેટની ચોરી કરી અને ડ્રાઇવરના નામે નોટિસો ઇસ્યૂ થઇ
- કાકા-ભત્રીજાનો ખેલ ખુલ્લો થતાં સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો
અમદાવાદના ન્યુ રાણીપ રહેતા આધેડને અમેરિકા મોકલવાની લાલચ આપી બેંક એકાઉન્ટ ખોલાવી તેમા ટ્રાન્જેક્શન કરવાનું કહી ચેકબુક અને પાસબુક લઇ લીધી હતી. બાદમાં તે એકાઉન્ટ સાંઇ એન્ટરપ્રાઇઝના નામે વાપરી વેટ ચોરી કરી હતી. આમ ભેજાબાજ કાકા અને ભત્રીજા સામે સાબરમતી પોલીસ સ્ટેશનમાં ગુનો નોધાયો હતો. વેટના અધિકારીઓ ડ્રાઇવરનું કામ કરતા આધેડને રૂ. 3.93 કરોડ ભરવાની નોટિસ આપી હતી. આમ સામાન્ય લોકોને વેપારીઓએ મોટો ચૂનો લગાવ્યો, પરંતુ આખરે ઠગ ટોળકીની પોલ ખુલ્લી ગઇ હતી.
પીડિત એક કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવે છે
ન્યુ રાણીપ શુકન સ્માઇલ સિટીમાં ઘનશ્યામ પરીખ પરિવાર સાથે રહે છે અને સાંતેજ ખાતે આવેલી એક કંપનીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. અગાઉ ઘનશ્યામભાઇ બોડકદેવ ખાતે આવેલી અમદાવાદ મ્યુનિ.ની ઓફિસે ટેક્ષ બિલ ભરવાનું કામ કરતો હતો. આ સમયે મહેન્દ્ર પટેલ સાથે ઓળખાણ થઇ હતી. મહેન્દ્ર પેટલે ઘનશ્યામભાઇને કહ્યું કે, તમે છૂટક મજૂરી કરો છો તેના કરતા તેમારે અમેરિકા જવું હોય તો વ્યવસ્થા હું કરી આપું. ઘનશ્યામે જણાવ્યુ કે, મારા પાસે પૈસા નથી. મહેન્દ્રભાઇએ તેમના ભત્રીજા ધ્રુવ પટેલની મુલાકાત કરાવવાની બાંહેધરી આપી હતી.
ટિકિટના ખૂટતાં નાણાં આપવાની લાલચ આપી
ધ્રુવે જણાવ્યું કે, તમે બેંકમાં ખાતુ ખોલાવો અને તેમા ટ્રાન્જેક્શન બતાવવા પડશે, તેથી વિઝા મેળવવા સરળતા રહેશે. મહેન્દ્રભાઇએ કહ્યું કે, ટિકિટના ખૂટતા નાણાં 50 હજાર હું મદદ કરીશ. આમ ઘ્રુવ પટેલે એક્સિસ બેંકમાં ખાતુ ખોલાવડાવ્યું અને અલગ અલગ કાગળો પર સહીઓ લીધી હતી. આમ બેંકની પાસબુક અને ચેકબુક પણ ધ્રુવે સહીઓ કરાવી લઇ લીધા હતા. દરમિયાનમાં વર્ષ 2018માં વેટ વિભાગની ટેક્ષ ભરવાની નોટીસ આપી હતી. આમ મહેન્દ્રભાઇ અને ધ્રવુ પટેલ સાથે વાત કરતા તેમણે નોટીસ લઇ લીધી હતી. આમ વર્ષ 2019માં ઘનશ્યામભાઇના ઘરે વેટ ભાગના કર્મચારીઓ આવ્યા હતા અને તેમણે જણાવ્યુ હતુ કે, તમે સાંઇ એન્ટરપ્રાઇઝના નામે કંપની ધરાવો છો અને તમારા બેંક એકાઉન્ટમાં ખૂબ મોટા ટ્રાન્જેક્શન થયેલા છે. તેનો વેટનો ટેક્ષ ભરવો પડશે.
વેટના અધિકારીઓએ ડ્રાઈવરના ઘરનું સર્ચ કરી પંચનામું કર્યું
વેટના અધિકારીઓથી ડરી ગયેલા ઘનશ્યામભાઇએ સમગ્ર હકીકતની જાણ કરી હતી. બાદમાં વેટના અધિકારીઓએ ઘનશ્યામભાઇનું મકાન સર્ચ કરી પંચનામું કર્યુ હતુ. ત્યારબાદ ઘનશ્યામભાઇએ મહેન્દ્ર પટેલ અને ધ્રુવ પટેલને જાણ કરી છતાં તેઓ ચિંતા ન કરશો અમે જોઇ લઇશું તેમ જણાવતા હતા. બાદમાં પણ અનેક નોટિસો વેટ વિભાગની આવી હતી, જેમાં વેટ વિભાગે પેનલ્ટી સાથે રૂ. 3.93 કરોડ ભરવાની નોટિસ આપી હતી. આમ આ અંગે સાબરમતી પોલીસ સ્ટેશન ખાતે ઘનશ્યામભાઇએ અરજી કરી હતી. પોલીસે એક મહિનાથી વધુ સમય તપાસ કરી આ અંગે ગુનો દાખલ કર્યો હતો. સાબરમતી પોલીસે મહેન્દ્ર પટેલ અને ધ્રુવ પટેલ(બંને રહે.સહજાનંદ ફ્લેટ, મેમનગર) સામે ગુનો નોધી તપાસ હાથ ધરી છે.
( Source - Divyabhaskar )