સમાધાન કેન્દ્ર:હવે લોકો ઘરે બેઠા જ કોર્ટમાં પોતાના વિવાદો ઉકેલી શકશે
કોરોના કાળમાં બે વર્ષ સુધી દેશભરની અદાલતોમાં ઓનલાઈન સુનાવણી થઈ. જોકે, આ સુવિધા મધ્યસ્થ કેન્દ્રોમાં નથી. ઓનલાઈન સુનાવણીથી સમય અને પૈસાની બચતને જોતા કેન્દ્ર સરકારે એક નવી યોજના તૈયાર કરી છે. તે અંતર્ગત ઝડપથી લોકો નાના-મોટા અદાલતી વિવાદો ઘરે બેઠા જ સુલઝાવી શકશે.
કેન્દ્રીય કાયદા મંત્રાલયના પ્રસ્તાવ મુદ્દે નીતિ આયોગે ઉચ્ચ સ્તરીય સમિતિની રચના કરી હતી. તેનો રિપોર્ટ ગયા વર્ષે 29 નવેમ્બરે આવ્યો હતો. હવે કાયદા મંત્રાલયે આ સૂચનો પ્રમાણે મધ્યસ્થ કાયદા બદલવાનો વિચાર શરૂ કર્યો છે. ત્યાર પછી દેશભરમાં ઓનલાઈન વિવાદ સમાધાન કેન્દ્રો શરૂ થશે. તેમાં અદાલતમાં દાખલ થનારા સિવિલ કેસોના ઉકેલની જોગવાઈ હશે.
કોર્ટમાં આવનારા સિવિલ કેસમાં સુનાવણી પહેલા બંને પક્ષને સંમતિથી ઉકેલ લાવવા મધ્યસ્થ કેન્દ્ર મોકલાય છે. હવે આવા મામલામાં પક્ષકારો ઓનલાઈન સમાધાન વિકલ્પ પણ પસંદ કરી શકશે. તેના માટે મધ્યસ્થ બંને પક્ષને ઓનલાઈન લિંક અને સમય આપશે.