અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા : નડિયાદના પટેલ યુવકની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા; પુત્રીએ જન્મદિવસે જ પિતા ગુમાવ્યા, પરિવારમાં ભારે આક્રંદ

અમેરિકામાં વધુ એક ગુજરાતીની હત્યા : નડિયાદના પટેલ યુવકની લૂંટના ઈરાદે ગોળી મારી હત્યા; પુત્રીએ જન્મદિવસે જ પિતા ગુમાવ્યા, પરિવારમાં ભારે આક્રંદ

મૃતક અમિત પટેલ બેંકમાં નાણાં ભરવા માટે ગયો હતો ત્યારે બનાવ બન્યો

મૃતક અમિત પટેલ અમેરિકામાં પોતાનું ગેસ સ્ટેશન ધરાવે છે

ખેડા-આણંદ જિલ્લામાંથી હજારો, લાખો લોકો પરદેશ વસવાટ કરે છે, માટે આ વિસ્તારને NRIનું હબ ગણવામાં આવે છે. મૂળ નડિયાદના વતની અને વર્ષોથી પરિવાર સાથે સ્થાયી થયેલા પટેલ પરિવારની વ્યક્તિની અમેરિકાના કોલંબસમાં હત્યા કરી દેવાની ઘટનાએ સમગ્ર ચરોતર પંથકને હચમચાવી મૂક્યું છે. પરદેશમાં અવારનવાર ગુજરાતી લોકો પર હુમલા, હત્યાના બનાવો બને છે, જેને ડામવા સરકાર દ્વારા પ્રયત્નો કરવામાં આવે એવી માગ ઊઠી છે.

લૂંટના ઈરાદે હત્યાનો બનાવ બન્યો
ખેડા જિલ્લાના નડિયાદના વતની અને વર્ષોથી પોતાના પરિવાર સાથે અમેરિકાના કોલંબસમાં રહેતા પટેલ પરિવાર પર આજે આફતનો પહાડ તૂટી પડ્યો છે. આ પરિવારના 45 વર્ષીય અમિત પટેલ નામની વ્યક્તિ કોલંબસમાં એક બેંકમાં નાણાં ડિપોઝિટ કરવા ગઈ હતી. આ દરમિયાન કોઈ અજાણ્યા લોકોએ તેમને શરીરના ભાગે ગોળી મારી નિર્મમ હત્યા કરી દીધી હોવાનું જાણવા મળ્યું છે. નાણાં ભરવા જતાં આ હત્યા લૂંટના ઈરાદે થઈ હોવાનું પરિવારજનો માની રહ્યાં છે.

પુત્રીના જન્મદિવસે પિતાની હત્યા
ઉલ્લેખનીય છે કે અમિત પટેલ વર્ષોથી પોતાના પરિવાર સાથે અહીં રહે છે. ઉપરાંત તેઓ ગેસ સ્ટેશનના માલિક હોવાનું પણ જાણવા મળ્યું છે. જ્યારે 3 વર્ષની અમિતભાઈની પુત્રીનો આજે જન્મદિવસ હતો અને આ દિવસે જ પિતાનું મૃત્યુ થતાં પટેલ પરિવાર પર શોકમગ્ન અને ભારે આક્રંદ છવાયો છે. પરદેશમાં અવારનવાર ગુજરાતી લોકોની હત્યાનો બનાવો બની રહ્યા છે ત્યારે એના પર અંકુશ લાદવામાં આવે એવી માગ ચરોતરના NRI લોકો કરી રહ્યા છે. ઉપરોક્ત હત્યાના બનાવમાં શુ કારણ બહાર આવશે એ તો પોલીસની તપાસનો વિષય છે.

અમિતભાઈ 10 વર્ષથી અમેરિકામાં સ્થાયી થયા હતા
નડિયાદ શહેરના મહાગુજરાત હોસ્પિટલ પાછળ અલકાપુરીમાં રહેતા અને છેલ્લા લગભગ 10-15 વર્ષથી અમેરિકાના કોલંબસમાં ધંધા અર્થે પરિવાર સાથે અમીતભાઈ સ્થાયી થયા હતા. તેવું તેમના મિત્ર વર્તુળમાંથી જાણવા મળ્યું છે. વધુમાં આ વાત જ્યારે નડિયાદમાં રહેતા તેમના નજીકના મિત્ર અર્પિત શાહને ગત મધરાતે જાણ થઈ હતી. તેમણે દિવ્ય ભાસ્કરની વાતચીતમાં જણાવ્યું હતું કે તેઓ વીક એન્ડના ગેસ સ્ટેશનના કેસ ભરવા ત્યાં બેંકમાં જતાં હતાં આ દરમિયાન બેંકની પ્રીમાઈસીસમાં કોઈ ઈસમે ગોળી મારી હત્યા કરી દીધી અને ફરાર થઈ ગયા હતા. જે બાબતની સમગ્ર જાણકારી ત્યાંની પોલીસને પણ તેમના ભાગીદાર દ્રારા આપવામાં આવી છે. તેમના પરિવારમાં અમિતભાઈના માતા-પિતા, તથા દાદી તેમજ પત્નીએ સ્વજનને ગુમાવતાં મિત્રો ભારે શોકાગ્રસ્ત થયા છે.