જીતનો નશો:ઈમરાને કહ્યું- ભારત સાથે હાલ વાતચીત કરવી યોગ્ય નથી, તેને રવિવારે જ ક્રિકેટમાં કારમો પરાજય મળ્યો છે

જીતનો નશો:ઈમરાને કહ્યું- ભારત સાથે હાલ વાતચીત કરવી યોગ્ય નથી, તેને રવિવારે જ ક્રિકેટમાં કારમો પરાજય મળ્યો છે

પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને ફરી એકવખત ભારતને લઈને બેહૂદું નિવેદન આપ્યું છે. તેઓને બે દેશના સંબંધોને ક્રિકેટમાં મળેલી હાર-જીતથી જોડી દીધું છે. ઈમરાને કહ્યું- ભારત સાથે હાલ કોઈ જ પ્રકારની વાતચીત અંગે કંઈ પણ કહેવું યોગ્ય નથી, કેમકે કાલે જ (રવિવારે, 24 ઓક્ટોબર) ક્રિકેટના મેદાનમાં પાકિસ્તાને જોરદાર હાર આપી છે.

રવિવારે દુબઈમાં ટી-20 વર્લ્ડ કપ અંતર્ગત ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી, જે મેચ પાકિસ્તાન 10 વિકેટથી જીત્યું હતું.

રિયાધમાં છે ખાન
ઈમરાન ખાન હાલ સાઉદી આરબ અને UAEની મુલાકાતે છે. રિયાધમાં તેઓએ પાકિસ્તાન-સાઉદી આરબ ઈન્વેસ્ટમેન્ટ ફોરમને સંબોધન કર્યું. આ દરમિયાન તેઓ ક્રિકેટને પણ વચ્ચે લાવ્યા. ખાને કહ્યું- આપણાં પાડોસમાં બે મોટા દેશ અને બજાર છે. અફઘાનિસ્તાનના રસ્તે આપણે સેન્ટ્રલ એશિયા સુધી પહોંચ બનાવી શકીએ છીએ.

ખાને વધુમાં કહ્યું- ચીન સાથે આપણાં સારા સંબંધ છે. પરંતુ કોઈ પણ રીતે ભારત સાથેના સંબંધો સારા બનાવી લઈશું તે તે આપણાં માટે ઘણો જ ફાયદાકારક હશે. હું જાણું છું કે રવિવારે રાત્રે આપણે ક્રિકેટમાં ભારતને મોટી હાર આપી છે, તેથી હાલ તો વાતચીત કે સંબંધો સુધરે તે દિશામાં વાત કરવી યોગ્ય નથી.

જૂનો જ રાગ
ઈમરાને ફરી જણાવ્યું કે દુનિયા માટે પાકિસ્તાન કેટલું મહત્વ છે અને તેમના વગર અફઘાનિસ્તાનમાં શાંતિ શક્ય ન બની હોત. સાથે જ જાહેર કર્યું કે પાકિસ્તાનની યંગ જનરેશન કેટલી ટેલેન્ટેડ છે. ખાન કાશ્મીરનો ઉલ્લેખ કરવાનું પણ ન ભૂલ્યા. કહ્યું- ભારત અને પાકિસ્તાન વચ્ચે મુખ્ય મુદ્દો કાશ્મીર છે. આપણે સભ્ય પાડોસીઓની જેમ રહેવું હશે તો આ મુદ્દાનું સમાધાન જરૂરી છે. જો ત્યાંના લોકોને અધિકાર મળી જશે તો પછી કોઈ મુશ્કેલી જ નથી. ભારત પણ પાકિસ્તાનના રસ્તે સેન્ટ્રલ એશિયા સુધી પહોંચી શકે છે.

પહેલા જાણો રશીદે શું કહ્યું હતું
પાકિસ્તાનના હોમ મિનિસ્ટર શેખ રશીદે પણ ભારત-પાકિસ્તાન મેચ પર કોમેન્ટ કરી. સોમવારે એક વીડિયોમાં રશીદે કહ્યું- આજે સમગ્ર આલમ-એ-ઈસ્લામમાં પાકિસ્તાને પોતાને પુરવાર કર્યું છે. મને અફસોસ છે કે આ પહેલો હિંદુસ્તાન-પાકિસ્તાનનો મેચ છે જે કોમી જવાબદારીના કારણે હું મેદાનમાં ન રમી શક્યો (હકિકતમાં તેઓ જોવાનું કહેવા માગતા હતુ પરંતુ જીભે લોચા વાળ્યા) આજે અમારી ફાઈનલ હતી અને દુનિયાના મુસલમાન સહિત ભારતના મુસલમાનોની લાગણી પાકિસ્તાનની સાથે જ હતી. સમગ્ર આલમ-એ-ઈસ્લામને ફતેહ મુબારક. પાકિસ્તાન જિંદાબાદ-ઈસ્લામ જિંદાબાદ.