ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:અમેરિકા; એક ડોલરમાં એક વસ્તુવાળા સ્ટોર્સ પર તાળાબંધીનું જોખમ, મોટાભાગનામાં સામાન નથી, ગ્રાહકો પણ નથી દેખાતા

ધ ન્યૂયોર્ક ટાઇમ્સમાંથી:અમેરિકા; એક ડોલરમાં એક વસ્તુવાળા સ્ટોર્સ પર તાળાબંધીનું જોખમ, મોટાભાગનામાં સામાન નથી, ગ્રાહકો પણ નથી દેખાતા

કોરોનાનો મારઃ વેચાણ ન થતાં કર્મચારીઓને પગાર જ નથી મળતો કે ઓછો મળે છે

 

અમેરિકામાં લાખો લોકો માટે એક ડોલરમાં એક વસ્તુવાળા સ્ટોર્સ રોજિંદી જરૂરિયાતો માટે લાઇફલાઇન રહ્યા છે. અમેરિકી સમાજનો એક મોટો વર્ગ તેના પર નિર્ભર રહે છે પણ કોરોનાકાળની આ સ્ટોર્સ પર વિપરીત અસર પડી છે. ઘણા સ્ટોર્સ બંધ થઇ ગયા અને હજુ ઘણા સ્ટોર્સ પર તાળાબંધીનું જોખમ તોળાઇ રહ્યું છે. સપ્લાય ચેનને અસર થઇ છે. માલ ન હોવાને કારણે સ્ટોર્સ ખાલી પડ્યા છે. સ્ટોર્સમાં વેચાણ ન થવાને કારણે કર્મચારીઓને પગાર નથી મળતો કે ઓછો મળે છે. અમેરિકામાં વર્ષોથી ડોલર સ્ટોર્સનું બિઝનેસ મોડલ ઘણું સફળ રહ્યું. ગરીબીરેખા નીચેના લોકો તેના પર નિર્ભર રહે છે.

ગ્રામીણ અમેરિકામાં આવા ઘણા સ્ટોર્સ હતા. હવે સ્થિતિ એ છે કે અમુક જ સ્ટોર્સ ખુલ્લા દેખાય છે. મેન શહેરના એક ડોલર સ્ટોરમાં કામ કરતી સેન્ડ્રા કહે છે કે તે અઠવાડિયામાં 70 કલાક કામ કરીને કંટાળી ચૂકી છે. ડોલર સ્ટોર તેને એક કલાકના 12 ડોલર (875 રૂ.) વેતન આપે છે જ્યારે તેટલા જ કામ માટે વૉલમાર્ટ એક કલાકના 16 ડોલર (અંદાજે 1,175 રૂ.) આપે છે. કામના કલાકો પણ ડોલર સ્ટોરમાં બહુ આકરા છે. ડોલર ટ્રીના મિખાઇલ વિટયેન્સ્કીનું કહેવું છે કે આ વર્ષે અત્યાર સુધીમાં માલભાડાંમાં પણ અનેકગણી વૃદ્ધિ થઇ છે. સ્ટોર્સમાં આવતા લોકોની સંખ્યા બહુ ઘટી છે.

ગ્રામીણ વિસ્તારોમાં પણ મોટા સ્ટોર્સ પોતાની બ્રાન્ચ ખોલી રહ્યા છે. એવામાં ડોલર સ્ટોર્સ માટે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવું મુશ્કેલ બન્યું છે. અમેરિકામાં કોરોનાકાળ બાદ હવે ઓપન અમેરિકાનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે પણ ડોલર સ્ટોર્સ માટે આર્થિક તકલીફો ઘણી વધુ છે. અમેરિકી સમાજમાં અશ્વેત અને ઓછી આવકવાળા લોકોમાં ડોલર સ્ટોર્સ બહુ લાંબો સમય લોકપ્રિય રહ્યા. ઘણા ઘરોમાં રાશન તથા અન્ય જરૂરિયાતો આ સ્ટોર્સ થકી જ પૂરી થતી હતી.

ચીનથી આવતા સસ્તા સામાનનો સપ્લાય અવરોધાયો
સેલ્ફ રિલાયન્સ ગ્રુપની સ્ટેસી મિશેલનું કહેવું છે કે ચીનથી દરિયાઇ માર્ગે આવતા કન્ટેનરમાં એક વ્યક્તિ પણ કોરોના પોઝિટિવ જણાય તો કન્ટેનર 2-3 મહિના સુધી ડૉકયાર્ડમાં જ રહે છે. તેથી ડોલર સ્ટોર્સને સસ્તો ચાઇનીઝ માલ સપ્લાય નથી થઇ શકતો. સ્ટોર્સમાં માલ જ ન હોય તો કર્મચારીઓને વેતન કેવી રીતે મળી શકે?