બાઈડેનનું બિલ્ડ બેક બેટર:ભારતીયો નોકરીઓ છીનવી ન લે તે માટે બાઈડેનનો 260 લાખ કરોડનો પ્લાન

બાઈડેનનું બિલ્ડ બેક બેટર:ભારતીયો નોકરીઓ છીનવી ન લે તે માટે બાઈડેનનો 260 લાખ કરોડનો પ્લાન

બે-બે વર્ષની પ્રી સ્કૂલ અને કોલેજ શિક્ષણ મફત આપવાનું મોટું એલાન

શિક્ષણ ક્ષેત્રમાં ઐતિહાસિક પહેલ બિલ્ડ બેક બેટર યોજના

 

અમેરિકામાં નોકરીઓમાં ભારતીયોની વધતી શાખને લીધે રાષ્ટ્રપતિ જો બાઈડેન 260 લાખ કરોડ(3.5 ટ્રિલિયન ડૉલર)ની યોજના લાવ્યા છે. બિલ્ડ બેક બેટર નામના આ યોજનાને અમેરિકામાં દાયકા બાદ શિક્ષણના ક્ષેત્રમાં મોટી પહેલ તરીકે જોવાય છે.

શિક્ષણની શરૂઆતથી લઈને કોલેજને પણ તેમાં સામેલ કરાઇ છે. બે-બે વર્ષની પ્રી સ્કૂલ અને કોલેજ શિક્ષણને મફત ઉપલબ્ધ કરાવવાનો વાયદો કર્યો છે. અમેરિકામાં એશિયન ખાસ કરીને ભારતીયો અને ચીનના લોકોના બાળકો અને યુવા શિક્ષણમાં બાકી અમેરિકી સમુદાયથી ઘણા આગળ છે. આ સમગ્ર પ્લાનમાં શિક્ષણની સાથે સાથે બાળ અને મહિલા કલ્યાણના પક્ષ પણ સામેલ કરાયા છે.

બાઇડેને ચૂંટણી દરમિયાન અનેક કલ્યાણ યોજનાઓની જાહેરાત કરાઈ હતી. આ પ્લાનમાં રોજગારની તકો વધારવા અને કોરોના કાળ દરમિયાન લોકોને થતી મુશ્કેલીઓને સરળ કરવાની જોગવાઈ છે. ડેમોક્રેટ્સ તેને અમેરિકી સંસદમાં પાસ કરાવવા એકજૂટ થયા છે. બાઈડેન સરકાર સામે મોટો પડકાર આ યોજનાને અમેરિકી રિપબ્લિકન રાજ્યોમાં લાગુ કરાવવાનો રહેશે.

મહિલાઓ ફરી રોજગારીમાં પાછી ફરે એટલે યોજનામાં ચાઈલ્ડ કેર સામેલ
મહામારી બાદ અમેરિકા ફરી ખૂલી રહ્યું છે. એવામાં કાર્યબળની જરૂરિયાત અનુભવાઈ રહી છે. મહિલાઓ રોજગારીમાં સરળતાથી વાપસી કરી શકે તે માટે પ્રક્રિયાને સરળ બનાવવા આ યોજનામાં ચાઈલ્ડ કેર પણ ઉમેરાયું છે. અમેરિકાના લાખો પરિવારોને તેનો લાભ મળશે.

રંગ-આવક આધારિત શિક્ષણનું સ્તર
અમેરિકામાં રંગ અને આવકના આધારે શિક્ષણના સ્તરમાં ઉતાર-ચઢાવ જોવા મળેછે. ઓછા શિક્ષિત હોવાને કારણે અનેક સમુદાયોના કર્મચારીઓને ઓછી આવક મળે છે. ઈન્સ્ટિટ્યૂટ ફોર કોલેજ એક્સેસ એન્ડ સક્સેસની જેસિકા થોમ્પસન અનુસાર ઓછી આવક ધરાવતા વર્ગના કોલેજ વિદ્યાર્થીઓને તેનો લાભ મળશે. પ્રી સ્કૂલમાં મફત શિક્ષણથી બાળકોને અભ્યાસના શરૂઆતના વર્ષોમાં લાભ મળશે.

ઓબામા-ટ્રમ્પ આશંકા વ્યક્ત કરી ચૂક્યા
2016માં
 તત્કાલીન રાષ્ટ્રપતિ ઓબામાએ કહ્યું હતું કે અમેરિકીઓને નોકરીઓ માટે ભારતીય અને ચીનીઓનો મુકાબલો કરવો પડે છે.
2017માં તત્કાલીન રાષ્ટ્રપતિ ટ્રમ્પે કહ્યું હતું કે અમેરિકાન સૌથી મોટી નોકરીઓની ચોરી સહન કરી રહ્યું છે. ભારતીય-ચીનીઓ નોકરીઓ ચોરી રહ્યા છે.

અમેરિકામાં ભારતીયોનો સારો એવો દબદબો

  • 1,23,700 ડોલર ભારતીય પરિવારોની વાર્ષિક સરેરાશ આવક, જોકે રાષ્ટ્રીય સરેરાશ 6,3922 ડોલર.
  • અમેરિકામાં દર સાતમો ડૉક્ટર ભારતવંશી છે. અમેરિકામાં લગભગ 40 લાખ ભારતીયો રહે છે.